નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીની દીવાનગીના કિસ્સા તો અનેક સાંભળ્યા હશે. ક્યારેક કોઈ ફેન ધોનીના આશીર્વાદ લેવા દોડતા સીધા મેદાનમાં પહોંચી જાય છે, તો ક્યારેક ધોની ફેનથી બચીને ખુદ ભાગતા જોવા મળે છે. પરંતુ આ વખતે મેદાન પર કંઈક એવું થયું કે, ધોની ખુદ પેવેલિયનથી દોડતા પોતાના વૃદ્ધ ફેનને મળવા દોડી આવ્યો. આઈપીએલના સત્તાવાર ટ્વીટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ધોની મેચ બાદ એક દાદી સાથે સેલ્ફી લેતા જોવા મળે છે. વીડિયોમાં દાદી-પૌત્રી સાથે જોવા મળે છે જેને ધોની સેલ્ફી પાડી આપે છે. ત્યારબાદ પૌત્રી ધોનીને પગે પણ લાગે છે. પ્રાપ્ત વિગતો મુજબ આ દાદી પૌત્રી મુંબઈમાં રહેતા ગુજરાત થાર પરિવારના છે. દાદીનું નામ દમયંતી બેન અને પૌત્રીનું નામ મૈત્રી છે. દાદીના હાથમાં એક પ્લે કાર્ડ હતું જેમાં તેમણે લખ્યું હતું કે 'આઈ એમ ઓનલી હિયર ફોર યુ ધોની' ક્રિકેટના આ પ્રકારના ચાહકને જોઈને મહેન્દ્ર સિંહ ધોની પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમણે દાદી પૌત્રી સાથે લાંબી વાતચીત કરી હતી. ધોની એક ટીશર્ટ પર ઑટોગ્રાફ પણ સાઇન કરી આપે છે.