નવી દિલ્હીઃ આઇપીએલની 11મી મેચ રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઇ રહી છે. આ મેચમાં આરસીબી તરફથી પ્રયાસ બર્મને ડેબ્યૂ કરવાની સાથે જ ઇતિહાસ રચી દીધો હતો. પ્રયાસ આઇપીએલમાં ડેબ્યૂ કરનારો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. પ્રયાસે 16 વર્ષ 157 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું છે.

પ્રયાસને નવદીપ સૈનીના સ્થાને આરસીબીમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે મુજીબ ઉર રહમાનનો રેકોર્ડ તોડ્યો હતો. અફઘાનિસ્તાનના મુજીબે આઈપીએલ 2018માં 17 વર્ષ 11 દિવસની વયે ડેબ્યૂ કર્યું હતું.


પ્રયાસ બંગાળનો ખેલાડી છે અને તે બેટિંગ કરવાની સાથે લેગ બ્રેક ગુગલી બોલર છે. તે અત્યાર સુધીમાં 9 લિસ્ટ એ મેચમાં 11 અને 4 ટી20 મેચમાં 4 વિકેટ ઝડપી ચુક્યો છે. આઇપીએલ ઓક્શન દરમિયાન તેની બેસ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી, પરંતુ તેની લેગ સ્પિન ક્ષમતાને જોઈ રોયલ ચેલેન્જર્સે 1.5 કરોડમાં ખરીદ્યો હતો. હરાજીની પ્રક્રિયા તે ટીવીમાં જોતો હતો અને આ દરમિયાન તેને આટલી મોટી રકમ મળશે તેવી સહેજ પણ આશા નહોતી. 6 ફૂટ 1 ઈંચ લંબાઇ ધરાવતો બોલર શેન વોર્નની બોલિંગ જોઈને મોટો થયો છે.

IPLમાં ડેબ્યૂ કરનારા સૌથી યુવા ખેલાડી

- પ્રયાસ બર્મન 16 વર્ષ 157 દિવસ

- મુજીબ ઉર રહમાન 17 વર્ષ 11 દિવસ

- સરફરાઝ ખાન 17 વર્ષ 177 દિવસ

- પ્રદીપ સાંગવાન 17 વર્ષ 179 દિવસ

- વોશિંગ્ટન સુંદર 17 વર્ષ 199 દિવસ


IPL 2019: સૌરવ ગાંગુલીએ રબાડાના આ બોલને આઈપીએલનો ‘સર્વશ્રેષ્ઠ બોલ’ ગણાવ્યો, જાણો શું કહ્યું