બેંગલોરઃ આઈપીએ વર્ષ 2019ની સીઝન 12 આરસીબી માટે ખરાબ સપના જેવી હતી. ટીમે આ સીઝનમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું. 14 મેચમાં ટીમ માત્ર 5 મેચમાં જ જીત મેળવી શકી હતી અને ટીમ 11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી અંતિમ સ્થાન પર રહી હતી. તેને જોતા આઈપીએલ ફ્રેન્ચાઈઝી આરસીબી ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાએ ટીમ પર કટાક્ષ કર્યો છે.


વિજય માલ્યાએ કહ્યું કે, વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળની ટીમ હંમેશા કાગળો પર જ સારી રહી છે. વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, માર્ક્સ સ્ટોયનિસ અને શિમરોન હેટમાયર અને ટિમ સાઉદી જેવા સ્ટાર ખેલાડીઓ ધરાવતી ટીમનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું.

માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું, “આ ટીમની પાસે સારી લાઈનઅપ હતી પરંતુ તે માત્ર કાગળ પર જ જોવા મળી.” બેંગલોરને આઈપીએલ-12ના શરૂઆતના છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ટીમે ત્યાર બાદ પાંચ મેચમાં જીત મેળવી હતી.


બેંગલોરના કેપ્ટન કોહલીએ પોતાના ફેન્સ માટે એક ભાવુક મેસેજ મોકલ્યો, જેમાં તેણે ટ્વિટર પર લખ્યું, “તમારા સમર્થન અને પ્રેમ માટે બધાનો આભાર. ફેન્સ, ગ્રાઉન્ડ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફ વચન આપે કે આગામી વર્ષે મજબૂતી સાથે વાપસી કરીશું.”