નવી દિલ્હીઃ હાલમાં અશ્વિનની માંકડિંગ વિવાદ ઠંડો પણ પડ્યો નથી કે ઇન્ડિયન ટી20 લીગમાં વધુ એક મેચ ખોટા નિર્ણને કારણે ચર્ચામાં આવ્યો છે. ગુરુવારે રાત્રે બેંગલોર અને મુંબઈની ટીમ આમને સામને હતી. ધારણા અનુસાર જ મેચ ખૂબ જ રોમાંચક રહ્યો. અંતિમ બોલ સુધી રોમાચ રહ્યો પરંતુ ખત્મ વિવાદ સાથે થયો.



6 રને પરાજય મળ્યા પછી રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી મેચ રેફરીના રૂમમાં ઘુસી ગયો હતો. રૂમમાં જઈને કોહલીએ રેફરીને ગાળો આપી હતી. અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉએ રિપોર્ટ આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મેચની પ્રેઝનટેશન સેરેમની પૂરી થતા જ કોહલી મેચ રેફરી મનુ નાયરના રૂમમાં ગયો હતો અને ખરાબ અમ્પાયરિંગને લઈને ગાળો આપી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે જો આચાર સંહિતા તોડવાના ગુનામાં મને સજા પણ મળે તો તેની ચિંતા નથી.



બેંગલોરને અંતિમ બોલે જીતવા માટે 7 રનની જરૂર હતી. મલિંગાએ અંતિમ ઓવર ફેંકી હતી. મલિંગાના અંતિમ બોલે એક જ રન બન્યો હતો. આ પછી બોલનો રિપ્લે દેખાડવામાં આવ્યો તો ખબર પડી હતી કે મલિંગાનો પગ લાઇનથી આગળ હતો અને બોલ નો બોલ હતો. જેના ઉપર અમ્પાયર એસ રવિનું ધ્યાન ગયું ન હતું અને નો બોલ આપ્યો ન હતો.

જો અમ્પાયરે નો બોલ આપ્યો હોત તો બેંગલોરને એક રન વધારાનો મળત અને બોલ પણ ફ્રી હીટ થઈ જાત. આવા સમયે બેંગલોર પાસે જીતવાની તક હતી. જોકે આમ બન્યું ન હતું અને કોહલીની ટીમનો 6 રને પરાજય થયો હતો.