નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 35મો મુકાબલો દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા હતા.

દિલ્હી તરફથી શિખર ધવન 61 બોલમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા વડે 106 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પૃથ્વી શૉએ 7 રન, શ્રેયસ ઐયર અને રિષભ પંતે 14-14 તથા સ્ટોયનિસે 9 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી મેક્સવેલ, અશ્વિન અને નીશમે 1-1 વિકેટ લીધી હતી. શમીને 2 સફળતા મળી હતી.

 મેચમાં સદી ફટકારવાની સાથે જ શિખર ધવને ઈતિહાસ રચ્યો હતો. આઈપીએલમાં સતત બે મેચમાં સદી ફટકારનારો તે પ્રથમ બેટ્સમેન બન્યો હતો. આઈપીએલ સીઝનમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે છે. 2016માં કોહલીએ 4 સદી ફટકારી હતી, તેનો આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી, પરંતુ તે સતત બે મેચમાં સદી મારી શક્યો નથી.



 2011માં ક્રિસ ગેઇલે 2, 2017માં હાશિમ આમલાએ 2, 2018માં શેન વોટસને 2 સદી ફટકારી હતી. ચાલુ સીઝનમાં ધવને 2 સદી મારીને પોતાના શાનદાર ફોર્મનો પરિચય આપ્યો છે.