નવી દિલ્હીઃ આઈપીએલમાં ગત રાત્રે IPL 2020ની 21મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે ચેન્નઈ સુપર કિંગ્સને 10 રને હરાવ્યું હતું. મેચમાં એક સમયે ચેન્નઈની જીત એકદમ સરળ લાગતી હતી પરંતુ મિડલ ઓર્ડરના બેટ્સમેનો અને ખાસ કરીને ધોનીએ ધીમી બેટિંગ કરતાં ચેન્નઈ જીતી શક્યું નહોતું.

ચેન્નઈની ટીમે 168 રનનો પીછો કરતાં 10 ઓવરમાં 1 વિકેટે 90 રન કર્યા હતા અને મેચમાં ખાલી ફોર્માલિટી બાકી હોય તેમ જણાતું હતું. 10 ઓવરમાં 78 રનની જરૂર હતી. જે બાદ કોલકાતાના કેપ્ટને સુનીલ નરેનને બોલિંગ આપતી હતી. પિચ ધીમી થાય ત્યારે નરેનની બોલિંગમાં રન ફટકારવા અશક્ય થઇ જશે તેવી તેમને અપેક્ષા હતા અને તેમનો આ જુગાર પણ સફળ થયો હતો. ચેન્નઈનો સ્કોર 10 ઓવરમાં 1 વિકેટે 90 રન હતો, જે 15 ઓવરના અંતે 3 વિકેટે 110 થઈ ગયો હતો. મતલબ કે તેમણે આ 5 ઓવરમાં માત્ર 20 રન કરતાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન નારાયણે 2 ઓવર નાખી 8 રન આપીને શેન વોટ્સનની કિંમતી વિકેટ લીધી હતી.

ચોથા ક્રમે બેટિંગમાં આવેલા ધોનીએ 12 બોલમાં 11 રન અને છઠ્ઠા ક્રમે આવેલા કેદાર જાધવે 12 બોલમાં માત્ર 7 રન જ કર્યા હતા. આ ધીમી બેટિંગના કારણે સીએકે જીતથી વંચિત રહ્યું હતું. જાડેજાએ 8 બોલમાં 21 રન ફટકાર્યા છતાં તે જીત નહોતો અપાવી શક્યો.