નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની જલ્દી જ મેદાન પર વાપસી કરવા જઈ રહ્યો છે. ધોનીની વાપસીની ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે ધોની આઈપીએલ 2020ને લઈને નેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે. ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ધોની આઈપીએલ માટે પરસેવો પાડી રહ્યો છે. શુક્રવારે નેટ પ્રેક્ટિસ દરમિયાન ધોની પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યો હતો. તે દરમિયના તેણે એક પછી એક સળંગ પાંચ સિક્સ ફટકારી હતી. ધોનીનો આ વીડિયો સ્ટાર સ્પોર્ટસ તમિલે ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તે નેટ પર બેક ટૂ બેક પાંચ સિક્સ ફટકારતો જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, આઈપીએલ સીઝન 13 માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગત ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 29 માર્ચે મુંબઈમાં મુકાબલો થશે. આ મેચથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે. ગત વર્ષ આઈસીસી વર્લ્ડ કપ બાદ 38 વર્ષીય ધોનીએ ટીમમાં વાપસી કરી નથી અને લાંબો બ્રેક લીધો હતો. એવામાં એવી અટકળો પણ ચાલી રહી હતી કે તે જલ્દી જ નિવૃતિ જાહેર કરી દેશે. જો કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે આઈપીએલ માટે તૈયાર છે. ધોનીના નેતૃત્વમાં CSKએ ત્રણ વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. ગત વર્ષે ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ધોનીએ આઈપીએલમાં 160 મેચોમાં 44.34 ની એવરેજ થી 3858 રન બનાવ્યા છે.