નવી દિલ્હી: દિગ્ગજ ઓફ સ્પિનર આર અશ્વિન આઈપીએલ 2020માં કિંગ્સ ઈલેવન પંજાબના બદલે નવી ટીમ તરફથી રમતો જોવા મળશે. અશ્વિન કિંગ્સ ઈલેવન પંજાબની કેપ્ટનશીપ છોડી આગામી સીઝનમાં નવી ટીમ દિલ્હી કેપિટલ્સ માટે રમશે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યર છે. આર. અશ્વિનને પંજાબે 2018માં 7.6 કરોડમાં ખરીદ્યો હતો. અશ્વિનને કેપ્ટનશીપ પણ સોંપવામાં આવી હતી, પરંતુ 2018 અને 19ની સીઝનમાં પંજાબ પ્લેઓફમાંથી પણ બહાર રહ્યું હતું.
દિલ્હી પ્રથમ વખત 2012માં આઈપીએલ પ્લેઓફમાં પહોંચી હતી, પરંતુ ક્વોલિફાયર મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારી ગયું હતું. દિલ્હી કેપિટલ્સ પાસે લેગ સ્પિનર અમિત મિશ્રા સિવાય કોઈ અનુભવી સ્પિનર નથી. જેથી અશ્વિનના આવવાના કારણે ટીમને તેનો ફાયદો થશે.
અશ્વિને 28 મેચમાં પંજાબની કેપ્ટનશીપ કરી હતી જેમાં 12માં જીત મળી તો 16માં હારનો સામનો કરવો પડ્યો હતો. આઈપીએલમાં અશ્વિનના નામે 125 વિકેટ છે. અશ્વિને 2009માં ચેન્નઈ સુપર કિંગ્સથી આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું.