નવી દિલ્હીઃ ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થવા જઈ રહી છે. દુનિયાભરના દિગ્ગજ ખેલાડીઓ આ સીઝનમાં જાળવો દેખાડશે. પરંતુ આ આઈપીએલમાં સૌથી વધારે કોઈની રાહ જોવાઈ રહી હોય તો તે ખેલાડીનું નામ છે મહેન્દ્ર સિંહ ધોની. ત્રણ વખત આઈપીએલ જીતનાર ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પ્રેક્ટીસની શરૂઆત પણ કરી દીધી છે.

આઇપીએલની પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. ધોનીના ચાહકો ધોનીને ફરીવાર મેદાન પર જોવા આતુર છે ત્યારે ચેન્નઈના ચેપોક સ્ટેડીયમમાં ધોનીએ પ્રેક્ટીસ શરુ કરી દીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી સુરેશ રૈનાએ લાંબા સમય બાદ પરત ફરી રહેલા ધોનીનું ભવ્ય સ્વાગત કર્યું.


ચેન્નઇ સુપર કિંગ્સએ ટ્વીટર પર વીડિયો શેર કર્યો જેમા સુરેશ રૈના પહેલાથી હોટલમાં પહોંચ્યો હતો અને પછી ધોની તેને મળે છે. ધોનીને જોતા જ રૈના ખુબ જ ખુશ થઇ જાય છે. રૈના ધોનીને ગળે લગાવીને ગરદનમાં કિસ કરી લે છે. સુરેશ રૈના અને ધોનીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.


સુરેશ રૈના ભારતીય ક્રિકેટ ટીમમાં ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ રમી ચૂક્યો છે. રૈનાએ બે વર્ષ પહેલા ટીમ ઇન્ડિયાની બ્લૂ જર્સીમાં નજર આવ્યો હતો. જ્યારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લોર્ડ્સમાં વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યાં જ ધોની ગત વર્ષે વર્લ્ડ કપની સેમીફાઇનલમાં રમ્યો હતો.

ધોનીનાં સંન્યાસની અટકળો વખતે પણ સુરેશ રૈનાએ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયાને હજુ ધોનીની જરૂર છે. ધોનીએ આઈપીએલમાં 190 મેચમાં 42.20ની એવરેજ અને 137.85ના સ્ટ્રાઈક રેટથી 4432 રન બનાવ્યા છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચાર વખત અને ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ વખત ખિતાબ જીત્યો છે. જયારે કોલકાતા નાઈટ રાઈડર્સ બે વખત ચેમ્પિયન રહી ચુકી છે.