નવી દિલ્હીઃ આગામી મહિને થનારી ઇન્ડિયન પ્રિમિયર લીગની હરાજી અગાઉ ક્રિસ લિન, ડેવિડ મિલર,  જયદેવ ઉનાડકટ, ક્રિસ મોરિસ સહિત  71 ખેલાડીઓને તેમની  ફ્રેન્ચાઇઝીએ રીલિઝ કર્યા છે. ખેલાડીઓને રીલિઝ કરવા, ટ્રેડિંગ અને જાળવી રાખવા માટે શુક્રવારે અંતિમ દિવસ હતો. કુલ 127 ખેલાડીઓને ટીમોએ પોતાની પાસે રાખ્યા છે જેમાં 35 વિદેશી ક્રિકેટર  સામેલ છે. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ પાસે 19 ડિસેમ્બરે થનારી હરાજીમાં 42.70 કરોડ રૂપિયાની રકમ હશે જે તમામ આઠ ટીમોમાં સૌથી વધુ છે.

બીસીસીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે, કિંગ્સ ઇલેવન પંજાબ પાસે હરાજી માટે સૌથી વધુ સેલેરી કેપ  ઉપલબ્ધ છે. જ્યારે  રોયલ ચેલેજર્સ બેંગલુરુ પાસે સૌથી વધુ ખેલાડીઓની જગ્યા છે. જેમાં છ વિદેશી ખેલાડીઓનુ સ્થાન સામેલ  છે. અંતિમ સમય સીમા બાદ ચેન્નઇ સુપરકિંગ્સ પાસે સૌથી મોટી ટીમ  છે.

તે અનુસાર, આઠ ફ્રેન્ચાઇઝીમાં બેંગલુરુએ સૌથી વધુ 12 ખેલાડીઓને રીલિઝ કર્યા છે જ્યારે સનરાઇઝર્સ  હૈદરાબાદે સૌથી ઓછા પાંચ ખેલાડીઓને  રીલિઝ કર્યા છે. રાજસ્થાને 11 ખેલાડીઓને રીલિઝ કર્યા છે.