દુબઈઃ ભારતના ભૂતપૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગ કિંગ્સ ઈલેવન પંજાબની ઉપરાછાપરી હારથી અકળાયો છે. સેહવાગ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પર સૌથી વધારે ભડક્યો છે. સેહવાગે કહ્યું કે, મને એ જ ખબર નથી પડતી કે મેક્સવેલમાં એવું શું છે કે આઈપીએલ ફ્રેન્ચાઈઝી હરાજી વખતે તેની પાછળ દોડે છે અને તેને ઉંચો ભાવ આપીને ખરીદે છે. બાકી એ એક પણ સીઝનમાં રમતો જ નથી. આજે કોલકાતા સામે રમાયેલી મેચમાં પણ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.


સેહવાગે સવાલ કર્યો કે, મેક્સવેલને જોરદાર દેખાવ કરવા કેવું પ્લેટફોર્મ જોઈએ એ જ ખબર પડતી નથી. તેને પ્રેશરમાં મોકલો તો પણ એ રમતો નથી ને વહેલો મોકલો તો પણ રમતો નથી. મને તેના મગજમાં શું ચાલે છે એ જ ખબર પડતી નથી કેમ કે દર વર્ષે આ જ વાતો દોહરાવાય છે છતાં ફ્રેન્ચાઈઝી તેની પાછળ દોડે છે. મને લાગે છે કે, આવતા વર્ષે તેની કિંમત 10 કરોડથી ઘટીને 1 કરોડ થઈ જવી જોઈએ કે જેને માટે એ લાયક છે.

યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલમાં કિંગસ ઈલેવન પંજાબ હાર પર હારનો સામનો કરીને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. પંજાબ સળંગ છ મેચો હારતાં તેની હાલત ખરાબ છે.

(તસવીર સૌજન્યઃ Kings XI Punjab ટ્વિટર)

પંજાબની ખરાબ હાલતમા તેના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું મોટું યોગદાન છે કેમ કે 10.75 કરોડ રૂપિયામાં ખરીદાયેલા આ સ્ટાર ઓલરાઉન્ડર જરાય ચાલ્યો નથી. ઓલરાઉન્ડર તરીકે ટીમમાં લેવાયેલો મેક્સવેલ સાવ માથે પડ્યો છે એ જોતાં સેહવાગની વાત સાચી લાગે છે.

મેક્સવેલ પંજાબે રમેલી તમામ મેચોમાં રમ્યો છે ને 7 મેચોમાં તેણે માત્ર 58 રન બનાવ્યા છે. તોફાની બેટ્સમેન તરીકે જાણીતા મેક્સવેલનો હાઈએસ્ટ સ્કોર માત્ર 13 રન છે.