ચેન્નઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે ખેલાડીઓની હરાજીનું આયોજન ચેન્નઈમાં કરવામાં આવ્યું. હરાજીની શરુઆતમાં અનસોલ્ડ રહેલા ભારતના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહને કોલકાતા નાઈટ રાઈડર્સે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હરભજન પોતાની બેઝ પ્રાઈઝ પર જ વેચાયો હતો. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ બાદ હવે હરભજન કેકેઆર સાથે રમતો જોવા મળશે. હરભજન સિવાય કેદાર જાધવને પણ હૈદરાબાદે બે કરોડમાં ખરીદ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હરભજન સિંહ 2018માં સીએસકે સાથે જોડાયો હતો અને તે વર્ષે ત્રીજી વખત સીએસકે ચેમ્પિન બન્યું હતું. 2019માં પણ તે સીએસકે તરફથી રમ્યો હતો. 2020ની આઈપીએલમાં હરભજન અંગત કારણોસર દુબઈ રમવા ગયો નહોતો. 2020માં સીએસકેનો દેખાવ કંગાળ રહ્યો હતો અને પ્લેઓફમાં પણ પહોંચી શકી નથી.



આ હરાજીમાં સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. તેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 14.25 કરોડમાં ખરીદ્યો છે. આ સિવાય કાઈલ જેમિસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 કરોડમાં ખરીદી લીધો હતો.