IPL 2022: આ શનિવારથી IPL શરૂ થશે. IPLની આ 15મી સિઝન હશે. ગત સિઝનમાં ચેમ્પિયન બનેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે કેપ્ટનનું પદ છોડવાનો નિર્ણય જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે રવિન્દ્ર જાડેજા ચેન્નાઈની ટીમનું નેતૃત્વ કરશે. જો કે ધોની આઈપીએલમાં રમવાનું ચાલુ રાખશે. ધોનીના આ નિર્ણયની જાણકારી સામે આવતા જ ક્રિકેટ જગતના તમામ દિગ્ગજોએ પોતપોતાની શૈલીમાં પ્રતિક્રિયા આપી અને ધોનીને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
ધોનીના સુકાનીપદ છોડ્યા બાદ IPLએ ધોનીની શ્રેષ્ઠ IPL પળોનો વીડિયો IPLના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને તેની શાનદાર કેપ્ટનશીપને યાદ કરી છે. IPLએ આ વીડિયો શેર કર્યો અને લખ્યું, "ધ મેન, ધ લેગસી, એમએસ ધોની." લગભગ 2 મિનિટ 35 સેકન્ડના આ વીડિયોમાં ચેન્નાઈની ચાર વખત આઈપીએલ ચેમ્પિયન બનવાની સફર સારી રીતે બતાવવામાં આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથનનું કહેવું છે કે, ધોનીએ આ નિર્ણય અચાનક નથી લીધો. તે છેલ્લા કેટલાક સમયથી આ અંગે પ્લાન કરી રહ્યો હતો. તેમણે એક સ્પોર્ટ્સ વેબસાઈટને કહ્યું, 'ધોનીએ પ્રેક્ટિસ સેશન પછી યોજાયેલી ટીમ મીટિંગમાં પોતાનો નિર્ણય આપ્યો. તે ઘણા સમયથી આ વિશે વિચારી રહ્યો હતો. ધોનીએ વિચાર્યું કે, રવિન્દ્ર જાડેજા કેપ્ટનશીપ સંભાળવા માટે તૈયાર છે અને તે આ જવાબદારી નિભાવવા માટે તેના શ્રેષ્ઠ ફોર્મમાં પણ છે. ધોની હંમેશા પ્લાન પ્રમાણે જ ચાલે છે. જો તે ઇચ્છતો હોત તો વધુ એક વર્ષ માટે કેપ્ટનશીપ કરી શક્યો હોત પરંતુ તેને લાગ્યું કે આ સિઝનમાં નવા કેપ્ટન માટે નેતૃત્વ કરવું યોગ્ય રહેશે.