તાજેતરમાં આઈપીએલ-2020 માટે યોજાયેલી હરાજીમાં પેટ કમિન્સ પર રૂપિયાનો વરસાદ થઈ ગયો હતો અને કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 15.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. બે કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા કમિન્સે કહ્યું છે કે ભલે તેની પાસે આટલા બધા રૂપિયા આવ્યા છે પરંતુ તેનાથી તેના વાણીવર્તનમાં કોઈ પરક નહીં પડે. કમિન્સે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બોક્સિંગ ડે ટેસ્ટ અગાઉ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું પ્રયત્ન કરીશ કે હું બદલાઈશ નહીં. હું નસીબદાર છું કે મારી આજુબાજુ ઘણા સારા લોકો છે.
26 વર્ષીય ઓસ્ટ્રેલિયન ઝડપી બોલરે કહ્યું હતું કે હું ક્રિકેટ એટલા માટે રમું છું કેમ કે મને આ રમત પ્રત્યે પ્રેમ છે. ક્રિકેટ રમતા મને જે કંઈ પણ મળ્યું છે તે બદલ હું મારી જાતને નસીબદાર માનું છું. નોંધનીય છે કે કમિન્સ હાલમાં આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને છે. તેણે ટીમમાં સામેલ કરવાને લઈને આઈપીએલની હરાજીમાં અન્ય ટીમો પણ બોલી લગાવી હતી પરંતુ અંતે કોલકાતાએ બાજી મારી હતી.