હૈદરાબાદઃ મુંબઇ ઇન્ડિયન્સના ઝડપી બોલર અલઝારી જોસેફે પોતાની પ્રથમ મેચમાં આઇપીએલનો 11 વર્ષનો જૂનો રેકોર્ડ તોડી દીધો છે. જોસેફે હૈદરાબાદ વિરુદ્ધ ફક્ત 12 રન આપીને છ વિકેટ ઝડપી હતી. આ અગાઉ આ રેકોર્ડ રાજસ્થાન રોયલ્સ તરફથી પાકિસ્તાની ઝડપી બોલર સોહેલ તનવીરના નામ પર હતો જેણે ચેન્નઇ સામે ચાર ઓવરમાં 14 રન આપીને છ વિકેટ ઝડપી હતી. જોસેફે પોતાની પ્રથમ બોલ  પર વોર્નરની વિકેટ ઝડપી હતી. 


આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિગ કરવાનો નિર્ણય કર્યો હતો. પોલાર્ડના આક્રમક 46 રનની મદદથી મુંબઇએ સાત વિકેટ પર 136 રનનો સ્કોર બનાવ્યો હતો. હૈદરાબાદની મજબૂત બેટિગલાઇનઅપ સામે 137 રનનો ટાર્ગેટ સામાન્ય લાગતો હતો પરંતુ જોસેફે અને રાહુલ ચહરની શાનદાર બોલિંગના કારણે હૈદરાબાદ ફક્ત 96 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આઇપીએલના ઇતિહાસમાં આ હૈદરાબાદનો ન્યૂનતમ સ્કોર રહ્યો હતો. મુંબઇએ આજની મેચમાં મલિંગાના સ્થાને જોસેફને પોતાની ટીમમાં સ્થાન આપ્યું હતું.

આઇપીએલમાં સર્વેશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બોલરની વાત કરવામાં આવે તો અનિલ કુંબલેનું નામ આ લિસ્ટમાં સૌથી ઉપર છે. કુંબલેએ 2009માં બેગ્લોર તરફથી રાજસ્થાન વિરુદ્ધ 3.1 ઓવરમાં પાંચ રન આપીને 5 વિકેટ ઝડપી હતી.