નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબે સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરને આઠ આઇપીએલ સીઝન બાદ રીલિઝ કરી દીધો છે. તે સિવાય પંજાબે ઇગ્લેન્ડના સેમ કરન અને ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર એન્ડ્ર્યૂ ટાયને  પણ રીલિઝ કર્યો છે. છેલ્લા આઠ સીઝનથી મિલર કિંગ્સ ઇલેવન પંજાબના મુખ્ય બેટ્સમેનમાંનો એક હતો  જેણે 79 મેચમાં 138.78ની સ્ટ્રાઇક રેટથી 1850 રન બનાવ્યા છે.


કિંગ્સ ઇલેવન પંજાબના સહમાલિક નેસ વાડિયાએ કહ્યું કે, ડેવિડ અમારો શાનદાર ખેલાડી રહ્યો છે. તેમણે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ. અમે તેને શુભકામના પાઠવીએ છીએ. તમિલનાડુના સ્પિનર વરુણ ચક્રવર્તીને પંજાબે રીલિઝ કર્યો છે જેને  8.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.


પંજાબે જે ખેલાડીઓને રિટેન કર્યા છે તેમાં વેસ્ટ ઇન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલ સામેલ છે. પંજાબે ગેઇલને 2018માં આઇપીએલમાં બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસમાં ખરીદ્યો હતો. વાડિયાએ કહ્યુ કે, અમે તેને જવા દેવા માંગતા નથી. તે ચેમ્પિયન ખેલાડી છે. આઇપીએલ 2020ની હરાજી 19 ડિસેમ્બરના રોજ કરાશે.