નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની ફાઈનલની તારીખ સામે આવી ગઈ છે. જોકે ક્યા મેદાન પર ફાઈનલ રમાશે તેને લઈને કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પરંતુ બીસીસીઆઈએ હૈદ્રાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમને આઈપીએલ 2019ના ફાઈનલ માટે સ્ટેન્ડ બાય પર રાખ્યું છે. એવામાં મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સને ઝાટકો લાગી શકે છે.




સૂત્રો મુજબ ચેન્નઈના એમએ ચિદંબરમ એટલે કે ચેપોક સ્ટેડિયમની ત્રણ ગેલેરીઓ I, J અને K માટે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનથી 2012થી એનઓસી(નો ઓબજેક્શન સર્ટિફિકેટ) લેવામાં નિષ્ફળ રહ્યું છે. રિપોર્ટ મુજબ બોર્ડના એક અધિકારીએ મીડિયાને કહ્યું કે, ‘અમે ટીએનસીએથી ચર્ચા કરીશું કારણ કે અમે ચેન્નઈથી પોતાના મેદાન પર રમવાનો અધિકાર છીનવા નથી માંગતા, પરંતુ ત્રણ ખાલી ગેલેરીઓ એક મુદ્દો છે. હૈદરાબાદ અને બેંગલુરુ પ્લેઑફ, એલિમિનેટર અને ફાઇનલ માટે બે સ્ટેન્ડબાય વેન્યૂ રહેશે.’

ઉલ્લેખનીય છે કે મેચ દરમિયાન આ સ્ટેડિયમના ત્રણ સ્ટેડન્સ ખાલી રહે છે. આ ત્રણ સ્ટેન્ડ્સ(I, J અને K)ની મહત્તમ ક્ષમતા લગભગ 12,000 છે. એટલે કે એક સ્ટેન્ડની ક્ષમતા 4,000 સુધીની છે. નવેમ્બર 2011થી આ ત્રણે સ્ટેન્ડ્સનો ઉપયોગ થયો નથી. સૂત્રો મુજબ વિવાદનું કારણ સ્ટેન્ડ નજીક આવેલ મદ્રાસ ક્રિકેટ ક્લબ(MCC)નું જિમ્નેશિયમ છે. વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે સ્ટેન્ડના કેટલાક હિસ્સાને નષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.