નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં હૈદરાબાદ તરફથી શાનદાર પ્રદર્શન કરી રહેલા ઝડપી બોલર ઉમરાન મલિકના દરેક લોકો ફેન બની ગયા છે. બુધવારે રમાયેલી મેચમાં ઉમરાને ગુજરાત ટાઇટન્સના પાંચ બેટ્સમેનોને આઉટ કરી તરખાટ મચાવી દીધો હતો. તમામ લોકો ઉમરાનના ફેન થઇ ગયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે પણ ઉમરાન મલિકના વખાણ કર્યા હતા. પી. ચિદમ્બરમે ટ્વીટ કરીને બીસીસીઆઈને તેના માટે ખાસ કોચની નિમણૂક કરવા અને ટૂંક સમયમાં જ તેને નેશનલ ટીમનો ભાગ બનાવવાની અપીલ કરી છે.






 પી.ચિદમ્બરમ પણ બન્યા ફેન


પી.ચિદમ્બરમે ટ્વીટ કરીને લખ્યું હતું કે ઉમરાન મલિક નામનું તોફાન તેના રસ્તામા આવતુ બધુ ઉડાવી રહ્યું છે. તેની ઝડપી ગતિ અને આક્રમકતા જોવા લાયક છે. આજના પ્રદર્શન બાદ તેમાં કોઈ શંકા નથી કે તે આઈપીએલની આ એડિશનની શોધ છે. બીસીસીઆઈએ તેને સ્પેશિયલ કોચ આપવો જોઈએ અને તેને ઝડપથી રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવો જોઈએ. 152 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે મલિકે ગુજરાતના ચાર બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કર્યા હતા.






 ઉમરાન મલિકે પાંચ વિકેટ લીધી હતી


ટી20 ક્રિકેટમાં ઉમરાન મલિકે પ્રથમવાર એક મેચમાં પાંચ વિકેટ ઝડપી છે. પાંચમાંથી  ચાર બેટ્સમેનોને ઉમરાન મલિકે બોલ્ડ કર્યા હતા. તેણે ચાર ઓવરમાં માત્ર 25 રન આપ્યા હતા. રિદ્ધિમાન સાહા (68), શુભમન ગિલ (22), ડેવિડ મિલર (17), અભિનવ મનોહર (0)ને ક્લીન બોલ્ડ કર્યા હતા  જ્યારે હાર્દિક પંડ્યા (10) ને કેચ આઉટ કર્યો  હતો.