Andrew Symonds, Yuzvendra Chahal, James Franklin: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી એન્ડ્રુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. સાયમન્ડ્સના નિધન બાદ વિશ્વ ક્રિકેટે શોક વ્યક્ત કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ક્રિકેટે છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ મહાન ખેલાડીઓ ગુમાવ્યા છે. સાયમન્ડ્સ પહેલા માર્ચમાં શેન વોર્ન અને રોડ માર્શનું અવસાન થયું હતું. સાયમન્ડ્સની વાત કરીએ તો તે ખૂબ જ લોકપ્રિય ખેલાડી રહ્યો છે. સિમન્ડ્સ તેના પ્રદર્શનની સાથે સાથે વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યો છે.
રાજસ્થાન રોયલ્સના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે તાજેતરમાં સાયમન્ડ્સ સાથે જોડાયેલ એક ઘટનાનો ખુલાસો કર્યો છે. ચહલે કહ્યું હતું કે, જ્યારે તે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો ત્યારે તેને એક ખેલાડીએ 15મા માળેથી લટકાવી દીધો હતો. મુંબઈમાં જ્યારે ચહલ સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. તાજેતરમાં, RCB પોડકાસ્ટમાં, ચહલે ઓસ્ટ્રેલિયાના એન્ડ્ર્યુ સાયમન્ડ્સ અને જેમ્સ ફ્રેન્કલિનનું નામ લઈને એક ઘટના યાદ કરી. ચહલે કહ્યું હતું કે, આ બંને ખેલાડીઓએ મારા હાથ-પગ બાંધી દીધા હતા અને મોં પર ટેપ લગાવીને આખી રાત આ સ્થિતિમાં છોડી દીધો હતો.
યુઝવેન્દ્ર ચહલે પોતાની સાથે બનેલા આ બનાવ વિશે વાત કરતાં કહ્યું હતું કે, "તે 2011માં ચેન્નાઈની એક હોટલમાં ચેમ્પિયન્સ લીગ જીત્યા બાદ આ ઘટના બની હતી. સાયમન્ડ્સે ખૂબ 'ફ્રૂટ જ્યુસ' પીધું હતું અને તેની સાથે હું એકલો હતો." જેમ્સ ફ્રેન્કલિન અને સાયમન્ડ્સે મારા હાથ-પગ બાંધી દીધા હતા અને પછી ચહલને કહ્યું - હવે તારે જાતે આ ખોલવું પડશે. બંને ખેલાડી એટલા મસ્તીમાં હતા કે ચહલના મોં પર ટેપ લગાવીને પછી ભૂલી ગયા હતા. પાર્ટી પૂરી થઈ ગઈ હતી અને સવારે જ્યારે એક સફાઈ કામદાર આવ્યો ત્યારે તેણે ચહલને જોયો અને ખોલ્યો હતો. આમ આખી રાત ચહલે બંધાઈને વિતાવી હતી.