IPL 2022 માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની મેચ રમાઈ રહી છે. આરસીબી માટે ઓપનિંગ કરવા ઉતરેલા વિરાટ કોહલીએ આ મેચમાં માત્ર 30 રન બનાવ્યા હતા અને ધીમી ઇનિંગ રમીને આઉટ થયો હતો. વિરાટ કોહલી જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક ક્ષણ એવી આવી જ્યારે CSKના બોલર મુકેશ ચૌધરીએ તેની તરફ બોલ ફેંક્યો અને તેને વાગ્યો હતો. ઈનિંગની પહેલી જ ઓવરમાં મુકેશ ચૌધરી બોલિંગ કરવા આવ્યો હતો. ત્યારે વિરાટ કોહલીએ ક્રિઝથી આગળ આવીને બેટ વડે બોલને હળવાશથી ફટકાર્યો હતો. આ બોલ સીધો મુકેશ ચૌધરીના હાથમાં ગયો અને તેણે તરત જ કોહલીને આઉટ કરવા માટે બોલ સ્ટમ્પ તરફ ફેંક્યો હતો.
આ દરમિયાન વિરાટ કોહલી સ્ટમ્પની સામે આવ્યો અને બોલ સીધો તેની પાસે ગયો હતો. મુકેશ ચૌધરીએ ફેંકેલો બોલ વિરાટ કોહલીને વાગ્યો હતો અને તે ક્રિઝ પર પડી ગયો હતો. બાદમાં મુકેશ ચૌધરીએ વિરાટ કોહલીની માફી પણ માંગી હતી અને આ વાત પર કિંગ કોહલી હસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં વિરાટ કોહલીએ 33 બોલમાં 30 રન બનાવ્યા હતા. કોહલીની શરૂઆત ધીમી હતી જો કે તેણે પાછળથી કેટલીક બાઉન્ડ્રી ફટકારી હતી પરંતુ તે પછી તેણે તેની વિકેટ ગુમાવી હતી. મોઈન અલીએ વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કર્યો હતો.
બીજી તરફ જો મુકેશ ચૌધરીની વાત કરીએ તો આ મેચમાં તેણે 3 ઓવર નાખી અને 30 રન આપ્યા હતા. મુકેશ ચૌધરીને આ મેચમાં વિકેટ લેવામાં સફળતા નહોતી મળી. IPLમાં અત્યાર સુધી મુકેશ ચૌધરીએ 9 મેચમાં 11 વિકેટ ઝડપી છે.