IPL 2023, CSK Vs RR: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે એક મહત્વની મેચ રમાશે, આજની મેચમાં બે ભારતીય વિકેટકીપર કેપ્ટનો વચ્ચે જંગ જામશે, એકબાજુ ભારતનો સૌથી સ્ટાર વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની હશે, તો બીજીબાજુ યુવા વિકેટકીપર સંજૂ સેમસન દેખાશે. આજની મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે જોરાદર ટક્કર જોવા મળશે. IPL 2023માં આજે 17મી મેચ ચેન્નાઇના ચેપૉક સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો આજે ચોથી મેચ રમશે. સંજૂ સેમસનની આગેવાની વાળી રાજસ્થાન રૉયલ્સ આઈપીએલની આ સિઝનમાં અત્યાર સુધી કુલ 3 મેચ રમી ચૂકી છે, જેમાં બે જીત સાથે પૉઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. 


જ્યારે ધોનીની સીએસકેની વાત કરીએ તો, ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે આ આઇપીએલમાં અત્યાર સુધી ત્રણ મેચો રમી છે, જેમાં બેમાં જીત હાંસલ કરી છે, પરંતુ પૉઈન્ટ ટેબલમાં તે પાંચમા સ્થાન પર છે. એમએસ ધોની સીએસકેના હૉમ ગ્રાઉન્ડ પર રાજસ્થાનને હરાવીને પૉઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન આગળ લાવવા પ્રયાસ કરશે. 


સીએસકે અને આરઆરના હેડ ટૂ હેડ આંકડા - 
બન્ને ટીમો IPLની પ્રથમ સિઝનની ફાઈનલમાં આમને સામને ટકરાઇ હતી, ધોની તે સમયે સીએસકેનો કેપ્ટન હતો, અને શેન વોર્ન આરઆરનો કેપ્ટન હતો. જોકે, એ મેચમાં જીત બાદ ક્યારેય રાજસ્થાન રૉયલ્સ આઇપીએલની ફાઇનલ જીતી શક્યુ નથી. ગયા વર્ષે આ ટીમ ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ગુજરાત ટાઇટન્સ સામે હારી હતી. જો આ બંને ટીમો વચ્ચેના આંકડાઓ પર નજર કરીએ તો, બંને ટીમો અત્યાર સુધીમાં કુલ 26 મેચમાં આમને સામને ટકરાઇ ચૂકી છે. જેમાંથી ચેન્નાઈએ 15માં જીત મળી છે, અને રાજસ્થાનને 11 મેચ જીત હાંસલ થઇ છે.