ઋષભ પંત એક હાથે સિક્સર અને ચોક્કા ફટકારવા માટે જાણીતો છે. ભૂતકાળમાં પંતે ઘણી વખત એક જ હાથે બેટ ફેરવીને બોલને બાઉન્ડ્રીને પાર પહોંચાડ્યો છે. આજની કોલકાતા સામેની મેચમાં પણ દિલ્લીના કેપ્ટન ઋષભ પંતે પોતાના આજ અંદાજમાં એક હાથે ચોક્કો માર્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ની 19મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે થયો હતો. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીત્યો હતો અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
દિલ્હી કેપિટલ્સે શાનદાર શરૂઆત કરી હતી. બંને ઓપનર ડેવિડ વોર્નર (61 રન) અને પૃથ્વી શો (51 રન) એ પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી નોંધાવી હતી. વરુણ ચક્રવર્તીએ પૃથ્વી શોને બોલ્ડ કરીને આ ભાગીદારીનો અંત લાવ્યો હતો. પ્રથમ વિકેટ પડ્યા બાદ કેપ્ટન ઋષભ પંત મેદાનમાં ઉતર્યો હતો.
ખાસ વાત એ છે કે, છેલ્લી કેટલીક મેચોમાં ઋષભ પંત ચોથા ક્રમ પર બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ આજે પંત ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો. ઋષભ પંતે 14 બોલમાં 27 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેમાં બે ચોગ્ગા અને વધુ છગ્ગા માર્યા હતા. પંતે આવતાની સાથે જ કેટલાક આક્રમક શોટ કર્યા હતા. આ દરમિયાન તેણે સ્પિન બોલર વરુણ ચક્રવર્તીના બોલ પર એવો શોટ માર્યો હતો, જે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની રહ્યો છે. ઇનિંગ્સની 11મી ઓવરમાં, બીજા બોલ પર, પંતે વિચિત્ર રીતે પડતા રિવર્સ સ્વીપ માર્યો, જે થર્ડ મેન પર ચોગ્ગો લાગ્યો હતો. શોટ રમ્યા બાદ પંતનું બેટ પણ હાથમાંથી છટકી ગયું હતું.
IPLમાં ઋષભ પંતનો શાનદાર રેકોર્ડઃ
24 વર્ષીય પંતે કોલકાતા સામેની મેચ પહેલા 87 IPL મેચ રમી હતી, જેમાં તેણે 35.36ની એવરેજથી કુલ 2581 રન બનાવ્યા હતા. આ દરમિયાન ડાબા હાથના બેટ્સમેન પંતે પણ 15 અડધી સદી અને એક સદી ફટકારી છે. ગત સિઝનમાં પંતની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ સુધી પહોંચી હતી.