IPL 2022: આઈપીએલમાં આજે બપોરે યોજાયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્લી કેપિટલ્સની મેચમાં દિલ્લી કેપિટલ્સનો શાનદાર વિજય થયો હતો. દિલ્લીએ શરુઆતમાં બેટિંગ કરતાં 215 રનનો સ્કોર ખડકી દીધો હતો. જ્યારે આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 171 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. આજની મેચમાં કુલદીપ યાદવે પોતાની શાનદાર બોલિંગથી કોલકાતાની 4 વિકેટ ઝડપી હતી. 


ઋષભ પંતે અય્યરને કર્યો આઉટઃ
આ દરમિયાન મેચમાં કોલકાતાનો કેપ્ટન બેટ્સમેન શ્રેયસ અય્યર પોતાની ટીમને જીતાડવા માટે સારું રમી રહ્યો હતો. અય્યર 33 બોલમાં 54 રન ફટકારી ચુક્યો હતો. જો કે, 13મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા દિલ્લી કેપિટલના સ્ટાર બોલર કુલદીપ યાદવે એક બોલ નાખ્યો હતો. આ બોલને ફટકારવા માટે અય્યર વિકેટ છોડીને રમવા માટે આગળ આવ્યો હતો. જો કે આ બોલ અય્યરે મીસ કર્યો હતો અને બોલ સીધો વિકેટ કિપર ઋષભ પંતના હાથોમાં ગયો હતો. પંતે ક્ષણની પણ રાહ જોયા વગર આંખના પલકારામાં બોલને કેચ કરીને સ્ટમ્પ ખેરવી દીધા હતા. આ એટલું જડપી બન્યું હતું શ્રેયસ અય્યર પણ જોતો રહી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ પંતના સ્ટમ્પિંગની ખૂબ પ્રસંશા પણ થઈ હતી. એક યુઝર્સે લખ્યું કે ધોની સ્ટાઈલમાં સ્ટમ્પ આઉટ.






કુલદીપ યાદવનું શ્રેષ્ઠ પ્રદર્શનઃ
આજની મેચમાં કુલદીપ યાદવે જબરદસ્ત બોલીંગ કરીને પોતાનો પાવર બતાવ્યો હતો. કુલદીપ યાદવે આજે કુલ 4 વિકેટ ઝડપી હતી જેમાં શ્રેયસ અય્યર, પેટ કમિન્સ, સુનિલ નરેન અને ઉમેશ યાદવને આઉટ કર્યા હતા. જેમાં કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરની મહત્વની વિકેટ હતી.