IPL 2022, RR vs DC: મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 58મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હરાવ્યું હતું. આ સિઝનમાં દિલ્હીની આ છઠ્ઠી જીત છે. આ જીત સાથે દિલ્હીએ તેની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સની 12 મેચોમાં આ પાંચમી હાર છે.


પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે આર. અશ્વિનની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 18.1 ઓવરમાં સરળતાથી લક્ષ્ય મેળવી લીધો હતો. દિલ્હી તરફથી મિશેલ માર્શે 89 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ દરમિયાન માર્શના બેટમાંથી 5 ચોગ્ગા અને 7 છગ્ગા નીકળ્યા હતા. આ સાથે જ ડેવિડ વોર્નર 52 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.


રાજસ્થાન તરફથી મળેલા 161 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત સારી રહી ન હતી. પહેલી જ ઓવરમાં ઓપનર કે.એસ ભરત ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. આ પછી ડેવિડ વોર્નર અને મિશેલ માર્શએ શાનદાર બેટિંગ કરી હતી. પાવરપ્લે એટલે કે 6 ઓવર પછી દિલ્હીનો સ્કોર એક વિકેટે માત્ર 38 રન હતો. ત્યારપછી એવું લાગી રહ્યું હતું કે મેચમાં રોમાંચ યથાવત છે, પરંતુ તે પછી માર્શ રાજસ્થાનના બોલરો પર તૂટી પડ્યો હતો.


માર્શે 62 બોલમાં 89 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી હતી. આ સાથે જ ડેવિડ વોર્નરે આરામથી રમતા 41 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. તેના બેટમાં 5 ચોગ્ગા અને એક સિક્સર નીકળી હતી. આ બંને વચ્ચે બીજી વિકેટ માટે 144 રનની ભાગીદારી થઈ હતી. માર્શ આઉટ થયા બાદ રમવા આવેલ કેપ્ટન ઋષભ પંતે બે સિક્સરની મદદથી 4 બોલમાં 13 રન બનાવીને ટીમને જીત અપાવી અણનમ પરત ફર્યો હતો.


અશ્વિને IPLની પ્રથમ ફિફ્ટી ફટકારીઃ
આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી આર અશ્વિને 38 બોલમાં 50 અને દેવદત્ત પડિકલે 30 બોલમાં 48 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી.