IPL 2022: IPLની આ સિઝનમાં કાશ્મીરનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક ધૂમ મચાવી રહ્યો છે. ગુજરાત ટાઈટન્સ સામે ભલે હૈદરાબાદની હાર થઈ હોય પરંતુ હાર કરતા હૈદરાબાદના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની ચર્ચા થઈ રહી છે. કારણ કે આ મેચમાં 5 વિકેટ લીધી હતી. મલિકે તેની ચાર ઓવરમાં 25 રન આપીને પાંચ વિકેટ લીધી હતી જેથી તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 


સ્વાને મલિક અંગે આપ્યું નિવેદન
હવે ઈંગ્લેન્ડના પૂર્વ ઓફ સ્પિનર ગ્રીમ સ્વાને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી ટી-20 વર્લ્ડ કપ માટે ઉમરાન મલિકને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવો જોઈએ. સાથે તેમણે કહ્યું કે, મને આશા છે કે આગામી ટી-20 વર્લ્ડ કપમાં મલિકને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવશે.


ટીમ ઈન્ડિયા પાસે સારા ફાસ્ટ બોલર નથી: સ્વાન


ગ્રીમ સ્વાને કહ્યું કે, ભારતીય ટીમ પાસે બધુ છે પરંતુ ફાસ્ટ બોલર નથી. તેમણે કહ્યું કે, જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગ તો કરે છે, ઉમરાન મલિક જેટલી સ્પીડ નથી. તેથી મલિકને વહેલામાં વહેલી તકે ભારતીય ટીમનો ભાગ બનાવવો જોઈએ. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે પુરી રીતે તૈયાર છે. તેમણે આગળ કહ્યું કે,  ટી નટરાજન અને ચહલ જેવા સારા બોલર છે, પરંતુ ટીમ ઈન્ડિયાને ઉમરાન મલિક જેવા બોલરોની પણ જરૂર છે.


ગુજરાત સામેની મેચમાં ઉમરાને પોતાની સ્પીડથી અનેક દિગ્ગજોને પ્રભાવિત કર્યા છે. તેમણે આ મેચમાં હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલર જેવા ખેલાડીઓને આઉટ કર્યા હતા. સ્વાને કહ્યું કે, ભલે હૈદારાબાદની ટીમ હારી ગઈ હોય પરંતુ મલિકે પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. તમને જણાવી દઈએ કે, મલિક આ સિઝનની 8 મેચમાં 15.93ની સરેરાશથી 15 વિકેટ લઈ ચૂક્યો છે.