IPL 2022: લખનઉ સુપર જાયંટ્સે (LSG)આઈપીએલ 2022માં પોતાની ત્રીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ને 12 રનથી હરાવ્યું હતું. લખનઉની જીતમાં દીપક હુડ્ડા અને કૃણાલ પંડ્યાની મહત્વની ભૂમિકા રહી હતી. આ મેચમાં લખનઉની બેટિંગ દરમિયાન દીપક હુડ્ડાએ અડધી સદીની સારી ઈનિંગ રમી હતી. સાથે જ ટીમની બોલિંગ દરમિયાન કૃણાલે સારી બોલિંગ કરીને પોતાની તાકાત બતાવી હતી.


ગંભીરની ભવિષ્યવાણી સાચી પડીઃ
દીપક હુડ્ડા અને કૃણાલ પંડ્યા એક જ મેચમાં શાનદાર પ્રદર્શન બાદ લખનઉ સુપર જાયંટ્સના મેંટર ગૌતમ ગંભીરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી હોવાનું લાગી રહ્યું છે. કેટલાક લોકોનું માનવું છે કે, દીપક હુડ્ડા અને કૃણાલ પંડ્યા વચ્ચે થયેલો વિવાદ તેમના પ્રદર્શનમાં અડચણરુપ બની શકે છે. એવામાં આઈપીએલ 2022ની શરુઆતની પહેલાં ગૌતમ ગંભીરે મોટું નિવેદન આપ્યું હતું. ગંભીરે કહ્યું હતું કે, મેદાન ઉપર સારી મેચ રમવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન માટે સારા મિત્રો હોવું જરુરી નથી. બંને (કૃણાલ અને દીપક) પ્રોફેશનલ છે અને તેમને પોતાના કામની ખબર છે. એક ટીમમાં રમવાનો મતલબ એ નથી કે રોજ સાથે જ ડિનર કરવું. હું પણ જ્યારે રમતો હતો ત્યારે ટીમમાં બધા લોકો મારા મિત્રો નહોતા. પરંતુ તેનાથી મારા પ્રદર્શનમાં કોઈ ફરક પડ્યો નહોતો.


શું હતો કૃણાલ અને દીપક વચ્ચેનો વિવાદઃ
ગયા વર્ષે દીપક હુડ્ડા અને કૃણાલ પંડ્યા વચ્ચે એક મોટો વિવાદ થયો હતો. દીપક હુડ્ડાએ બરોડાના કેપ્ટન કૃણાલ ઉપર ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો અને બાયો-બબલમાંથી નીકળી ગયો હતો. દીપકે એવો આરોપ પણ લગાવ્યો હતો કે, કૃણાલે તેને કરિયર ખતમ કરી દેવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાક્રમ બાદ દીપક હુડ્ડાએ સ્થાનિક ક્રિકેટ રમવા માટે રાજસ્થાન ગયો હતો. હવે આઈપીએલ 2022માં આ બંને ખેલાડીઓ એક જ ટીમમાં આવી ગયા છે. આઈપીએલના મેગા ઓક્શનમાં લખનઉ ફ્રેન્ચાઈજીએ કૃણાલ પંડ્યાને 8.25 કરોડ અને દીપક હુડ્ડાને 5.75 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.