Glenn Maxwell Break From IPL 2024: IPL 2024માં જીતની ઈચ્છા રાખતી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો આંચકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. હવે મેક્સવેલ માટે આ સિઝનમાં રમવું ઘણું મુશ્કેલ માનવામાં આવે છે. હૈદરાબાદ સામેની મેચ પહેલા ખુદ મેક્સવેલે આરસીબીના કેપ્ટન ફાફ ડૂ પ્લેસીસ અને કોચને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે તેની જગ્યાએ કોઈ અન્યને તક આપવામાં આવે.


RCBના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે બેટિંગમાં ખરાબ ફોર્મને કારણે IPLમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. તેણે માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ફરી એકવાર ક્રિકેટથી દૂરી લીધી છે. અગાઉ 2019માં પણ મેક્સવેલ માનસિક સ્વાસ્થ્યને કારણે લગભગ છ મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો.


સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આરસીબીની મેચમાં મેક્સવેલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેનું કારણ મુંબઈ ઈન્ડિયન્સ સામેની છેલ્લી મેચ દરમિયાન આંગળીમાં થયેલી ઈજા હોવાનું કહેવાય છે. જોકે, બાદમાં મેક્સવેલે ટીમમાંથી પોતાની બાકાત સ્વીકારી લીધી હતી.


મેક્સવેલે મેચ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, આ ખૂબ જ સરળ નિર્ણય હતો. હું છેલ્લી મેચ પછી કેપ્ટન ફાફ ડૂ પ્લેસીસ અને કોચ પાસે ગયો અને કહ્યું કે કદાચ મારી જગ્યાએ બીજા કોઈને અજમાવવાનો સમય આવી ગયો છે. તમારી જાતને થોડો માનસિક અને શારીરિક આરામ આપવા અને તમારા શરીરને ફિટ રાખવાનો આ સારો સમય છે. જો ટૂર્નામેન્ટ દરમિયાન મને સામેલ કરવાની જરૂર હોય, તો આશા છે કે હું માનસિક અને શારીરિક રીતે મજબૂત સ્થિતિમાં પાછો આવીશ અને પ્રભાવ પાડી શકીશ.


મેક્સવેલની કારકિર્દીમાં આ બીજી વખત છે જ્યારે ઓલરાઉન્ડરે પોતાની માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. મેક્સવેલે ઓક્ટોબર 2019માં આવો જ બ્રેક લીધો હતો અને પછી તેણે કહ્યું હતું કે તેને માનસિક અને શારીરિક રીતે આરામની જરૂર છે. થોડા મહિના પછી આ 35 વર્ષના ખેલાડીએ વાપસી કરી.


આઈપીએલની વર્તમાન સિઝનમાં તે છ મેચોમાં બેટથી કોઈ નોંધપાત્ર યોગદાન આપી શક્યો નથી, તેણે 94ના સ્ટ્રાઈક રેટથી માત્ર 32 રન જ બનાવ્યા છે, જેમાંથી તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 28 રન બનાવ્યા છે.