IPL 2024: કૉમેન્ટેટર્સ ઉપરાંત ઈન્ડિયન પ્રીમિયર લીગની સંચાલક સંસ્થા BCCIએ ફ્રેન્ચાઈઝી અને ખેલાડીઓ માટે પણ નવા નિયમો તૈયાર કર્યા છે. આ તમામને સલાહ આપવામાં આવી છે કે તેઓ મેચ દરમિયાન કોઈ પણ ફોટો કે વીડિયો સમજી વિચારીને શેર કરે. આ નિયમ એટલા માટે લાગુ કરવામાં આવ્યો છે કારણ કે થોડા દિવસો પહેલા એક કૉમેન્ટેટર દ્વારા મેચ દરમિયાન એક તસવીર શેર કરી હતી. આ તસવીર વાયરલ થયા બાદ બીસીસીઆઈના એક સ્ટાફ મેમ્બરે કૉમેન્ટેટરને તરત જ તસવીર ડિલીટ કરવા કહ્યું હતું. આ સાથે ખેલાડીઓને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ મેચ દરમિયાન મેદાનના કોઈપણ ભાગની કોઈ તસવીર કે વીડિયો શેર ન કરે.


તમને જણાવી દઈએ કે તે કૉમેન્ટેટરનાં લગભગ 10 લાખ ફોલોઅર્સ છે અને તેણે શરૂઆતમાં તસવીર ડિલીટ કરવાની ના પાડી દીધી હતી, પરંતુ વારંવારની વિનંતીઓ બાદ તેણે આખરે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આઈપીએલના લાઈવ બ્રોડકાસ્ટિંગ ટીવી રાઈટ્સ હાલમાં સ્ટાર ઈન્ડિયા પાસે છે અને લાઈવ સ્ટ્રીમિંગ ડિજીટલ રાઈટ્સ વાયાકોમ 18 પાસે છે. કંપનીઓએ IPLમાં ઘણાં નાણાંનું રોકાણ કર્યું હોવાથી, તેઓ નથી ઈચ્છતા કે લાઈવ મેચની સામગ્રી અન્ય કોઈ ચેનલ અથવા એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવે.


ઈન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે, આઈપીએલ ટીમોને લાઈવ મેચની કોઈપણ તસવીરો કે વીડિયો શેર કરવાની પણ મંજૂરી નથી. જો કોઈ ફ્રેન્ચાઈઝી આ નિયમનો ભંગ કરવા માટે દોષિત ઠરશે તો તેમને દંડ કરવામાં આવશે. ખેલાડીઓ દ્વારા શેર કરવામાં આવેલી દરેક પોસ્ટ પર નજર રાખવામાં આવી રહી છે. તમામ ખેલાડીઓને નવા નિયમો વિશે જાણ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક ખેલાડીઓ એવા છે જે નિયમોનું પાલન નથી કરી રહ્યા.