GT vs DC: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023માં આજે હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ટીમ ગુજરાત ટાઇટન્સ (GT)ની ટક્કર ડેવિડ વૉર્નરની આગેવાની વાળી ટીમ દિલ્હી કેપિટલ્સ (DC) સામે થવાની છે. આજની 2જી મેની મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ રમાશે. ખાસ વાત છે કે, ગુજરાત ટાઇટન્સ અત્યારે આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે, તો વળી, દિલ્હી કેપિટલ્સનો નંબર છેલ્લેથી પહેલો, એટલે કે પૉઇન્ટ ટેબલમાં છેક તળીયાનો છે. ગુજરાતે અત્યાર સુધી કુલ 8માંથી 6 મેચ જીતી છે. તો દિલ્હીને તેની 8 મેચમાંથી 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટાઇટન્સ આજની મેચ જીતીને પ્લેઓફમાં પહોંચવાની કોશિશ કરશે, તો વળી, આજની મેચ દિલ્હી માટે ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. આજની હારથી તેનો પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો એકદમ બંધ જ થઈ જશે. આવામાં દિલ્હી ટૂર્નામેન્ટની નંબર 1 ટીમ સામે કેટલું દબાણ બનાવી શકે છે તે જોવું રસપ્રદ રહેશે. પંતની ગેરહાજરીમાં આ વખતે ડેવિડ વૉર્નર ટીમની કમાન સંભાળી રહ્યો છે, પરંતુ ધારી સફળતા ટીમને અપાવવામાં નિષ્ફળ રહ્યો છે.
કેવો છે અમદાવાદની પીચનો મિજાજ ?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચની વાત કરીએ તો, અહીં સિઝનમાં બેટ્સમેનોને ઘણી મદદ મળી રહી છે. અહીં ઢગલાબંધ રન બની રહ્યાં છે. આજે પણ ફરી એકવાર અહીં રનોનો વરસાદ થઇ શકે છે. જોકે બંને ટીમોનું બૉલિંગ પાવર શાનદાર છે, પરંતુ શક્ય છે કે અગાઉની મેચોની સરખામણીમાં આ વખતે રન થોડા આછો બની શકે છે.