IPL 2023 LSG vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2023 ની 43મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું. આરસીબીએ શાનદાર પ્રદર્શન કરીને લો સ્કોરિંગ મેચ જીતી હતી. મેચ દરમિયાન વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે બોલાચાલી થઇ હતી. બંન્નેને મેચ દરમિયાન લડાઇ કરવી ભારે પડી ગયું છે. રિપોર્ટ્સ અનુસાર, કોહલી અને ગંભીરને તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. લખનઉના બોલર નવીન-ઉલ-હકને પણ દંડ ફટકારવામાં આવ્યો છે.






મેચ દરમિયાન કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પહેલા નવીન ઉલ હક કોહલી સાથે ઝઘડ્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઇના અહેવાલ અનુસાર, કોહલી અને ગંભીરને આ માટે 100 ટકા મેચ ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. નવીન-ઉલ-હકને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ગંભીરે આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.21નો ગુનો સ્વીકારી લીધો છે. આ અંતર્ગત જો ખેલાડીઓ લેવલ 2નો ગુનો કરે છે તો તેમને આર્થિક સજા થઈ શકે છે. નવીને લેવલ 1 નો ગુનો કર્યો છે. આ કારણે તેને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.






વાસ્તવમાં ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન લખનઉને ત્રણ ઓવરમાં 48 રનની જરૂર હતી. મેચની 17મી ઓવર દરમિયાન નવીન અને અમિત મિશ્રા ક્રિઝ પર હતા. આ દરમિયાન નવીન અને કોહલી વચ્ચે બોલાચાલી થઇ હતી. નવીન કોહલી પાસે ગયો અને કંઈક કહીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ દરમિયાન અમિત મિશ્રા વચ્ચે આવ્યો હતો અને બંન્ને છૂટા પાડ્યા હતા. કોહલીએ આ અંગે અમ્પાયર સાથે વાત કરી હતી. મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે પણ બોલાચાલી થઇ હતી. કોહલી અને ગંભીર વચ્ચેની દલીલ દરમિયાન કેએલ રાહુલ બચાવમાં આવ્યો હતો. જોકે, આ પછી બંને શાંત થઈ ગયા હતા. મેચ બાદ કોહલી અને ગંભીરે પણ હાથ મિલાવ્યા હતા.