LSG vs GT Match Prediction: IPLમાં આજે ડબલ હેડર મેચો રમાશે, પ્રથમ મેચમાં ગુજરાતની ટક્કર લખનઉ સામે થવાની છે, તો વળી બીજી મેચમાં રાજસ્થાનનો સામનો હૈદરાબાદની ટીમે સામે થશે. આજે પહેલી મેચમાં બપોરે 3.30 વાગ્યાથી લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ આમને સામને ટકરાશે. IPLમાં અત્યાર સુધીમાં બંને ટીમો ત્રણ વખત સામસામે આવી ચૂકી છે, અને ત્રણેય વાર ગુજરાત ટાઇટન્સનો વિજય થયો છે. આવામાં આજે લખનઉ સુપર જાયન્ટ્સ જીત માટે પ્રયાસ કરશે, ખાસ વાત છે કે, બન્ને ટીમોએ ગયા વર્ષે જ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એન્ટ્રી કરી હતી. આજે પણ લખનઉ માટે જીત આસાન નહીં રહે, કેમ કે ગુજરાતની ટીમ હાલમાં પણ ખુબ શાનદાર લયમાં દેખાઇ રહી છે, આઈપીએલ 2023ની 10 મેચમાંથી માત્ર ત્રણ જ મેચ હારી છે.


IPLમાં આ બન્ને ટીમો વચ્ચે પ્રથમ મેચ, ગુજરાત અને લખનઉ વચ્ચે મેચ ગયા વર્ષે 28 માર્ચે રમાઈ હતી. તે સમયે ગુજરાતની ટીમે લખનઉની ટીમને બૉલ બાકી રહેતા 5 વિકેટે હરાવ્યું હતું. આ પછી ગઇ સિઝનમાં આ બંને ટીમોની બીજી મેચમાં ગુજરાતે એકતરફી મેચમાં લખનઉને 62 રને હરાવ્યું હતું. આ સિઝનમાં જ્યારે આ બંને ટીમો આમને-સામને આવી ત્યારે જંગ કંઈક અંશે રસપ્રદ હતો. 22 એપ્રિલે રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સ 7 રનથી મેચ જીતવામાં સફળ રહી હતી.


ગુજરાત ટાઇટન્સ, તાકાત અને નબળાઇ - 
ગુજરાત ટાઇટન્સની સૌથી મોટી તાકાત તેની બૉલિંગ ફેઝ છે. આ ટીમમાં ફાસ્ટ અને સ્પિન બૉલરોનું ગજબનું કૉમ્બિનેશન છે. મોહમ્મદ શમી પાવરપ્લેમાં સતત વિકેટો ઝડપી રહ્યો છે, અને મોહિત શર્મા અને અલઝારી જોસેફ પણ મેચ વિનિંગ પરફોર્મન્સ આપી રહ્યાં છે. રાશિદ અને નૂરની સ્પિન જોડી પણ તબાહી મચાવી રહી છે. આ પહેલા કેટલીક મેચોમાં ટીમની બેટિંગ અમૂક જગ્યાએ વીક જોવા મળી હતી, પરંતુ હવે લગભગ તમામ બેટ્સમેન સારી લયમાં આવી ગયા છે. ગુજરાત માટે માત્ર ઓપનિંગ જોડી જ મુશ્કેલી બની રહી છે. આ સિઝનમાં સાહા અને ગીલ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી નથી.


લખનઉ સુપર જાયન્ટ્સ, તાકાત અને નબળાઇ - 
લખનઉ સુપર જાયન્ટ્સ માટે અત્યાર સુધી તમામ ખેલાડીઓનું મિક્સ પરફોર્મન્સ જોવા મળ્યું છે. કેટલીક મેચોમાં આ ટીમના બૉલરોએ પોતાનો રંગ બતાવ્યો છે, તો વળી, ક્યારેક બેટ્સમેનોએ દમખમ બતાવ્યો છે. આ ટીમની બેટિંગ લાઈન અપ ઘણી મજબૂત છે. કાયલી મેયર્સથી લઈને સ્ટૉઈનિસ અને નિકૉલસ પૂરન સુધી, તમામે આ સિઝનમાં પોતાના હાથ ખોલ્યા છે. વળી, બૉલિંગમાં પણ નવીન-ઉલ-હક અને રવિ બિશ્નોઈએ ખુબ જ પ્રભાવિત કર્યા છે. આ ટીમની નબળી કડી એ છે કે ખેલાડીઓના પરફોર્મન્સમાં અનિયમિતતા રહી છે. ત્યારે આ ટીમમાં કેએલ રાહુલ અને માર્ક વુડ જેવા મહત્વના ખેલાડીઓ ઈજાના કારણે હાલમાં બહાર છે.


શું લખનઉ હારનો સિલસિલો તોડી શકશે ?
આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ જે રીતે રમી રહી છે તે જોતા લખનઉની જીતની આશા ઓછી દેખાઇ રહી છે. લખનઉની બેટિંગ ગુજરાત કરતાં વધુ મજબૂત છે પરંતુ અનિયમિત પરફોર્મન્સ એક મોટું પાસુ બની ગયુ છે. વળી, ગુજરાતની બૉલિંગ લખનઉ કરતા ઘણી સારી અને મજબૂત દેખાઇ રહી છે. ગુજરાત ટાઇટન્સના દરેક ખેલાડી મેચ વિનર સાબિત થઇ રહ્યા છે. અહીં લખનઉની ટીમ પોતાના મહત્વના ખેલાડીઓની ગેરહાજરીમાં થોડી નબળી દેખાઈ રહી છે. આજની મેચમાં પણ ગુજરાતની જીતનો સિલસિલો યથાવત રહે તેવી પ્રબળ સંભાવના છે.