મુંબઈઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022માં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. હાર્દિક પંડ્યાની ટીમ આ મેચ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય થવાનો પ્રયાસ કરશે. પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ ગયેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ સન્માનજનક દેખાવ કરવાનો પ્રયાસ કરશે. આઇપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. મુંબઈએ 15મી સિઝનમાં 9માંથી 8 મેચ હારી છે. મુંબઇએ તેની છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે વિજય મેળવ્યો હતો. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ માટે આ સીઝન સારી રહી છે. મેચ પહેલા બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન જાણીએ.


ગુજરાત ટાઇટન્સ સામેની આજની મેચમાં મુંબઇ માટે કાંઇ ગુમાવવાનું નથી. આ મેચમાં ટીમ કેટલાક નવા ખેલાડીઓને તક આપી શકે છે. રોહિત શર્માની ટીમ પહેલેથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ઈશાન કિશન ફોર્મમાં જોવા મળ્યો હતો પરંતુ રોહિત શર્માનું ફોર્મ ચિંતાનો વિષય છે.


ગુજરાત ટાઇટન્સ વળતો પ્રહાર કરશે


3 મેના રોજ પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સનો પરાજય થયો હતો. ત્યારે ગુજરાતની ટીમ ફરીથી વિજયની લય મેળવવા માંગશે. ગુજરાત ટાઇટન્સે 10માંથી 8 મેચ જીતી છે. 16 પોઈન્ટ સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ગુજરાતને પ્લેઓફમાં જવા માટે માત્ર એક જીતની જરૂર છે.


ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન


રિદ્ધિમાન સહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અલ્ઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, લૉકી ફર્ગ્યૂસન, મોહમ્મદ શમી


મુંબઇ ઇન્ડિયન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન


ઇશાન કિશન, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઋતિક શોકીન, કેરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, જસપ્રીત બુમરાહ, કુમાર કાર્તિકેય, રાઇલી મેરેડિથ