Gujarat Titans vs Rajasthan Royals, Qualifier 1: કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી IPL 2022ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવ્યું હતું. આ સાથે ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ છે. IPLમાં ગુજરાત પહેલી ટીમ છે જે પોતાની ડેબ્યૂ સિઝનમાં ફાઇનલમાં પહોંચી છે.


રાજસ્થાન રોયલ્સે પ્રથમ ઈનિંગ રમીને 20 ઓવરમાં 6 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે છેલ્લી ઓવરમાં ટાર્ગેટ મેળવી લીધો હતો. ગુજરાત માટે ડેવિડ મિલરે માત્ર 38 બોલમાં અણનમ 68 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન હાર્દિક પંડ્યાએ 27 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા. બંને વચ્ચે ચોથી વિકેટ માટે અણનમ 106 રનની ભાગીદારી થઈ હતી.


મિલરે છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સર ફટકારીને ગુજરાતને જીત અપાવીઃ
ગુજરાતને જીતવા માટે છેલ્લી ઓવરમાં 16 રન બનાવવાના હતા. ડેવિડ મિલર ક્રિઝ પર હતો અને સામે ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા બોલિંગ કરવા આવ્યો હતો. મિલરે પ્રથમ ત્રણ બોલમાં હેટ્રિક ત્રણ સિક્સર ફટકારીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. તેની 68* રનની ઇનિંગમાં મિલરે 3 ચોગ્ગા અને 5 સિક્સર ફટકારી હતી. તે જ સમયે, હાર્દિક પંડ્યાએ 40* રનની ઈનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલાં તેણે બોલિંગમાં પણ વિકેટ લીધી હતી.


અગાઉ, ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતા રાજસ્થાન રોયલ્સે શાનદાર શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 55 રન ઉમેર્યા હતા. આ દરમિયાન ઓપનર યશસ્વી જયસ્વાલને 3 રન પર યશ દયાલે આઉટ કર્યો હતો. આ પછી કેપ્ટન સંજુ સેમસને જોસ બટલર સાથે મળીને જોરદાર બેટિંગ કરી અને ઘણા મોટા શોટ ફટકાર્યા હતા.


પાવરપ્લે પછી, ગુજરાતના સ્પિનરો રાશિદ ખાન અને સાઈ કિશોરે બંને બેટ્સમેનોને દબાણમાં લાવી દીધા હતા અને તેમના રન-રેટમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે કેપ્ટન સેમસન (47) લાંબો શોટ ફટકારવાના પ્રયત્નમાં સાઈ કિશોરના બોલ પર કેચ આઉટ થયો હતો. આ સાથે જ તેની અને બટલર વચ્ચે 47 બોલમાં 68 રનની ભાગીદારીનો અંત આવ્યો હતો.


10 ઓવર બાદ રાજસ્થાને બે વિકેટે 79 રન બનાવ્યા હતા. ચોથા નંબરે આવેલા દેવદત્ત પડિકલે બટલરની સાથે મળીને વચ્ચેની ઓવરોમાં ટીમ માટે મહત્વપૂર્ણ રન બનાવ્યા હતા. પરંતુ 15મી ઓવર નાખવા આવેલા કેપ્ટન હાર્દિકે પડિકલ (28)ને બોલ્ડ કર્યો, જેના કારણે રાજસ્થાને 116 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી દીધી. આ પછી શિમરોન હેટમાયરે બટલરને સપોર્ટ કર્યો હતો. આ સાથે જ બટલરે 42 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ 19મી ઓવરમાં હેટમાયર (4) શમીનો શિકાર બન્યો હતો. 20મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા દયાલે 15 રન આપ્યા હતા, જોકે બટલર (56 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 89 રન) અને રિયાન પરાગ (4) રન આઉટ થયા હતા, જેના કારણે રાજસ્થાને 6 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. આર અશ્વિન 2 રન બનાવીને અણનમ રહ્યો હતો.