IPL 2025 Mega Auction, Jos Buttler: ઈંગ્લેન્ડના વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરને ખરીદવા માટે ઘણી ટીમો વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. જોકે અંતે ગુજરાત ટાઇટન્સે આ સ્ટાર ઓપનરને 15.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગત સિઝન સુધી બટલર રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ હતો.
જોસ બટલરને ખરીદવા માટે લખનૌ સુપર જાયન્ટ્સે પણ મોટી બોલી લગાવી હતી. લખનૌ અને ગુજરાત વચ્ચે બોલી બોલાઈ હતી. જોકે અંતે ગુજરાત બટલરને ખરીદવામાં સફળ રહ્યું હતું. લખનૌએ આ ખેલાડી માટે 15.25 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. પરંતુ ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ આ ખેલાડીને ખરીદવાની યોજના બનાવી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
રબાડાને ગુજરાતે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો
ગુજરાત ટાઇટન્સે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કગીસો રબાડા પર મોટો દાવ લગાવ્યો છે. રબાડાને ગુજરાતે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. રબાડાની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. તે પહેલા પંજાબ કિંગ્સનો ભાગ હતો. પરંતુ પંજાબે તેને રિલીઝ કર્યો હતો.
રબાડાની IPL કારકિર્દી કેવી રહી ?
રબાડાએ તેની પ્રથમ આઈપીએલ મેચ વર્ષ 2017માં રમી હતી. તેણે આ લીગમાં 80 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 21.97ની શાનદાર એવરેજ સાથે 117 વિકેટ ઝડપી છે. તેનો ઈકોનોમી રેટ 8.48 હતો. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 4/21 રહ્યું છે.
IPL 2024 માં, રબાડાએ 11 મેચ રમી અને 33.82 ની એવરેજથી 11 વિકેટ લીધી. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 2/18 હતું. રબાડા પાસેથી IPL 2025માં શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.
જો કે, IPL 2025ની હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ શુભમન ગિલ, રાશિદ ખાન, સાઇ સુદર્શન, રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનને જાળવી રાખ્યા હતા. ફ્રેન્ચાઇઝીએ રાશિદ ખાન (18 કરોડ), શુભમન ગિલ (16.50 કરોડ), સાઇ સુદર્શન (8.50 કરોડ), રાહુલ તેવટિયા (4 કરોડ) અને શાહરૂખ ખાન (4 કરોડ)ને જાળવી રાખ્યા છે.
ક્યાંથી થઇ રહ્યું છે લાઇવ સ્ટ્રીમિંગ
આ વખતે સાઉદીમાં આઇપીએલની મેગા ઓક્શન યોજાઇ રહી છે. આ હરાજી 24 અને 25 નવેમ્બર એમ બે દિવસ ચાલશે. મેગા હરાજીનું સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. હરાજીનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema દ્વારા કરવામાં આવી રહ્યું છે.