IPL 2022: પંજાબ કિંગ્સના (PBKS) ઓલરાઉંડર લિયામ લિવિંગસ્ટોને રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે  પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીને ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પહેલાં લિવિંગસ્ટોને સુંદર બેટિંગ કરીને 32 બોલમાં 60 રનની તોફાની ઈનિંગ રમી હતી. ત્યાર બાદ બોલિંગ કરીને ચેન્નાઈની 2 વિકેટ પણ ઝડપી હતી. લિવિંગસ્ટોને પહેલાં શિવમ દૂબેને આઉટ કર્યો જે 57 રન બનાવીને પીચ પર ટકી ગયો હતો. શિવમ દૂબે એ સમયે ચેન્નાઈની જીત માટે એક માત્ર આશા હતી. એના પછીના બોલ પર લિવિંગસ્ટોને બ્રાવોનો શાનદાર કેચ ઝડપીને બધાને હેરાન કરી દીધા હતા અને પંજાબની જીત પર મહોર મારી દીધી હતી. લિવિંગસ્ટોનના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ઘણો વાયરલ થયો હતો. 


લિવિંગસ્ટોનની બોલ પર બ્રાવો બોલને ઓફ સાઈડ પર ડિફેંડ કરવા માગતો હતો પરંતુ બોલ બેટ પર અથડાઈ અને હવામાં ઉછળી હતી. ત્યાર બાદ લિવિંગસ્ટોને પોતાની ડાબી બાજુ લાંબી છલાંગ લગાવી હતી અને કેચ ઝડપી લીધો હતો. આ જોઈને મેદાન પર હાજર બધા ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમી લોકો ચોંકી ગયા હતા. બ્રાવો ખુદ આ કેચ જોઈને હેરાન થઈ ગયો હતો કે કઈ રીતે આ કેચ ઝડપાઈ ગયો. જો કો પોતે આઉટ થઈ ગયો છે એ જાણીને બ્રાવો પછી નિરાશ જોવા મળ્યો હતો. આ ક્ષણનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને બધા યુઝર્સ લિવિંગસ્ટોનની પ્રસંશા કરી રહ્યા છે. 






ઉલ્લેખનીય છે કે, મેગા ઓક્શનમાં પંજાબની ટીમે લિવિંગસ્ટોનને 11 કરોડની રકમ આપીને ખરીદ્યો હતો. આ કિંમતને યોગ્ય સાબિત કરતાં લિવિંગસ્ટોને પોતાનુ શાનદાર પ્રદર્શન આપીને બધાને ચોંકાવી દીધા હતા. લિવિંગસ્ટોન અને શિખર ધવને અનુક્રમે 60 રન અને 33 રનની ઈનિંગ રમીને પંજાબને જીત અપાવી હતી.