IPL 2022, DC vs RR: ગઇકાલે રાત્રે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની મેચમાં એક નાટક જોવા મળ્યું. રોમાંચક મેચમાં અંતે રાજ્સ્થાને 15 રનથી દિલ્હીને હાર આપી હતી. છેલ્લી ઓવરમાં 'નૉ બૉલ'ને લઇને વિવાદ થઇ ગયો અને દિલ્હીના કેપ્ટને પોતાના બેટ્સમેનોને મેદાન છોડીને પાછા આવી જવા માટે કહ્યું હતુ. પંતની આ હરકતને દરેક લોકો વખોડી રહ્યાં છે. જોકે મેચ બાદ પંતે પોતાની ભૂલને કબુલ કરી હતી અને નિયમ અંગે એમ્પાયરનુ ધ્યાન દોર્યુ હતુ.
રાજસ્થાનન મેકૉયની છેલ્લી ઓવરમાં દિલ્હીના બેટર પોવેલે બેક ટુ બેક 3 છગ્ગા ફટકારી મેચ જીવંત રાખી હતી. જોકે ત્રીજો બોલ ફુલટોસ અને કમરની ઉપર હોવાનું પંતને લાગ્યું હતું. હવે આ બોલમાં સિક્સ તો ગઈ પરંતુ અમ્પાયરે નો બોલ ન આપતા પંત ગુસ્સે થઈ ગયો હતો અને મોટો વિવાદ થયો હતો.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને શનિવારે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે ટીમના સહાયક કોચ પ્રવિણ આમરે પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આમરેને તેની સંપૂર્ણ મેચ ફીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જ્યારે દિલ્હીના ઝડપી બોલર શાર્દુલ ઠાકુરને તેની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. શુક્રવારે રમાયેલી મેચની વિવાદાસ્પદ છેલ્લી ઓવરમાં તેમની ભૂમિકા બદલ ત્રણેયને દંડ ફટકારવામાં આવ્યો છે.
મેચ બાદ પંતે ભૂલ કબુલી -
પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશન દરમિયાન પંતે કહ્યું કે મને લાગે છે કે રાજસ્થાને સારી બોલિંગ કરી હતી પરંતુ પોવેલે ક્યાંક મેચ અમારી તરફેણમાં ફેરવી દીધી હતી. થર્ડ અમ્પાયરે કે કોઈએ ચેક કરવું જોઈએ કે નો બોલ છે પણ તે મારા કંટ્રોલમાં નથી તેથી હું કંઈ કરી શકતો નથી. આવું થવું ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે વધુ સારી બોલિંગ કરી શક્યા હોત પરંતુ તે રમતનો એક ભાગ છે. હું મારા ખેલાડીઓને કહીશ કે વધુ વિચાર ન કરો અને આગામી મેચ માટે તૈયારી કરો.
શું છે નૉ બૉલનો નવો નિયમ -
નો બોલ મુદ્દે નિયમ એવો છે કે જ્યારે બેટર ફુલ ટોસ બોલ પર આઉટ થાય છે ત્યારે જ થર્ડ અમ્પાયર નો બોલને ચેક કરી શકે છે. જો સિક્સર માટે ફુલટોસ બોલ ફટકારવામાં આવે અને બેટર દ્વારા એવી માંગ કરવામાં આવે કે નો બોલને તપાસવામાં આવે, તો તે થઈ શકે નહીં. આ સ્થિતિમાં થર્ડ અમ્પાયર ફક્ત ફ્રન્ટ ફુટ નો બોલને જ ચેક કરી શકે છે.