Jadeja Controversy: અત્યાર સુધી IPLની આ સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કંઈ ખાસ સારી રહી નથી. CSKના ઘણા ખેલાડીઓ ઈજાના કારણે પહેલાથી જ બહાર થઈ ગયા હતા. તો, ટીમમાં કેપ્ટન બદલવાનો પ્રયોગ પણ બહુ સફળ રહ્યો નથી. આ સિઝનમાં ટીમને અત્યાર સુધી 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય જાડેજાની જગ્યાએ ધોની ફરી એકવાર ટીમની કમાન સંભાળી રહ્યો છે. જે બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે કેપ્ટનશિપના વિવાદ બાદ જાડેજા ખૂબ જ દુઃખી છે.
આ વાતથી જાડેજા દુઃખી છેઃ
રિપોર્ટ્સ અનુસાર, કેપ્ટનશિપના વિવાદને કારણે જાડેજા ઘણો નારાજ છે. તેનું માનવું છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સનું મેનેજમેન્ટ આ બાબતે વધુ જાગૃત થઈ શક્યું હોત. તરત જ બધું નક્કી થઈ ગયું. આ સિવાય દરેક વસ્તુને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં નહોતી આવી જેના કારણે તે ખૂબ જ નારાજ છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચેન્નાઈ મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
કેપ્ટનના પદને લઈને જાહેર કરાયા હતું નિવેદનઃ
તમને જણાવી દઈએ કે IPL શરૂ થવાના બે દિવસ પહેલા જ ધોનીએ કેપ્ટન્સી છોડી દીધી હતી. જે બાદ તેના સ્થાને જાડેજાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેની કપ્તાનીમાં ચેન્નાઈને સતત હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેની જગ્યાએ ધોનીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, ધોનીના કેપ્ટન બન્યા બાદ જ ઈજાના કારણે જાડેજા આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. ચેન્નાઈની ટીમે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, જાડેજા પાંસળીની ઈજાને કારણે સિઝનમાંથી બહાર થઈ ગયો છે. જાડેજાની કેપ્ટનશીપ છોડ્યા બાદ ચેન્નાઈએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, જાડેજા પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જેના કારણે ધોની ફરી એકવાર તેની જગ્યાએ ટીમની કમાન સંભાળશે.