IPL 2022: IPL 2022 માં અત્યાર સુધી 64 મેચ રમાઈ ચુકી છે. ત્યાર અત્યાર સુધીમાં ફક્ત હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સ 20 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થનાર એક માત્ર ટીમ છે. જ્યારે બાકીની 7 ટીમો ટોપ 4માં પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. ત્યારે હાલ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા અને આઠમા સ્થાને રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પણ પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. જો કે, આ ટીમોએ માત્ર મેચો જ જીતવાની નથી પરંતુ અન્ય ટીમોના પ્રદર્શનથી જ તેમનું ભાવિ નક્કી થનાર છે.
કોલકાતાનું પ્લેઓફનું ગણિતઃ
KKRએ અત્યાર સુધી 13 માંથી 6 મેચ જીતી છે. 12 પોઈન્ટ સાથે કોલકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. KKRની હવે પછીની મેચ બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સ સાથે હશે. પ્લેઓફમાં પહોંચવા માટે કોલકાતાએ આ મેચ મોટા અંતરથી જીતવી પડશે, જેથી તેનો રન રેટ દિલ્હી કેપિટલ્સ કરતા સારો રહે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને તેમની છેલ્લી લીગ મેચ હારવી પડશે. આ સ્થિતિમાં KKR, RCB અને DCના 14 પોઈન્ટ હશે. તે સ્થિતિમાં સારા રન રેટના કારણે કોલકાતા ટોપ 4માં સ્થાન મેળવી લેશે.
હૈદરાબાદનું પ્લેઓફનું ગણિતઃ
બીજી તરફ જો સનરાઈઝર્સ હૈદરાબાદને પ્લેઓફમાં જગ્યા બનાવવી હોય તો પહેલાં હૈદરાબાદની ટીમને બાકી બચેલી બંને મેચ જીતવી પડશે. SRHને આ મેચ મોટા માર્જિનથી જીતવી પડશે જેથી કરીને ટીમનો રન રેટ પ્લસમાં આવી શકે. હવે હૈદરાબાદને દિલ્હી, RCB, KKR અને પંજાબ કિંગ્સના સમર્થનની જરૂર પડશે. જો આ ચાર ટીમો તેમની છેલ્લી લીગ મેચ હારી જાય તો હૈદરાબાદના 7 પોઈન્ટ દિલ્હી અને RCBની બરાબર થઈ જશે. આ સ્થિતિમાં સારા રન રેટના કારણે હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે. SRH મંગળવારે મુંબઈ અને રવિવારે પંજાબ કિંગ્સ સામે ટકરાશે.