હવે રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન સૂર્યકુમાર વચ્ચેની લડાઈની ઘટના બની છે. શનિવારે બંને ટીમો વચ્ચેની મેચમાં સૂર્યકુમાર ચહલને ભેટી પડ્યો હતો, પરંતુ આ પછી ચહલના ચહેરાના હાવભાવ જણાવી રહ્યા હતા કે તે સૂર્યકુમારની આ હરકતથી ખુશ નથી. હવે આ મામલે સૂર્યકુમાર યાદવે પોતાનો અભિપ્રાય આપ્યો છે.


શું છે સમગ્ર મામલોઃ
મેચમાં મુંબઈની ઈનિંગની આઠમી ઓવર યુઝવેન્દ્ર ચહલ કરી રહ્યો હતો. સૂર્યકુમાર તેનો બોલ રમવામાં નિષ્ફળ ગયો અને બોલ તેના પગમાં વાગ્યો. રાજસ્થાનના ખેલાડીઓએ અપીલ કરી, પરંતુ અમ્પાયરે આઉટ ન આપ્યો. આ પછી ટીમના કેપ્ટન સંજુ સેમસને અમ્પાયરના નિર્ણયને પડકાર્યો હતો. બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક ન હતો, પરંતુ માત્ર અડધો બોલ ઓફ-સ્ટમ્પ પર અથડાયો હતો. આવી સ્થિતિમાં અમ્પાયરના કોલને કારણે સૂર્યકુમાર યાદવ આઉટ થતા બચી ગયો હતો.


ટીવી પર રિવ્યુ જોયા બાદ સૂર્યકુમાર યાદવે ચહલને ગળે લગાવ્યો હતો. જો કે, આ પછી યુઝવેન્દ્ર ચહલના હાવભાવ કહી રહ્યા હતા કે તેને સૂર્યકુમારનું આલિંગન પસંદ નથી. આ ઘટના બાદ બંને ખેલાડીઓ વચ્ચે લડાઈની અટકળો લગાવવામાં આવી હતી, પરંતુ મેચ પૂરી થતા જ સૂર્યકુમારે ખુદ આ ઘટના અંગે નિવેદન આપીને સત્ય રજુ કર્યું હતું.


તે એક મજાક હતીઃ
મેચ બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું કે "મેચ દરમિયાન મેં તેને કશું કહ્યું ન હતું, તે અમારી વચ્ચે સારી મજાક હતી. હું ખૂબ ખુશ છું કે તે સમયે અમ્પાયરના નિર્ણયને કારણે હું બચી ગયો હતો અને તે પછી જે થયું તેનું પરિણામ સામે છે. અમે મેચ જીતી ગયા." "તે એક શાનદાર બોલર છે અને મને તેની સાથે મેદાન પર લડવું ગમ્યું." આ મેચમાં સૂર્યકુમાર યાદવે 39 બોલમાં 51 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. મેચ જીત્યા બાદ તેણે કહ્યું કે આનાથી તેની ટીમમાં ઘણી સકારાત્મકતા આવશે.


આ ઘટનાના કેટલાક ફોટો ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક યુઝરે આ ક્ષણનો ફોટો ટ્વિટ કરતાં લખ્યું હતું કે, ચહલ અને સુર્યકુમાર યાદવ એક-બીજાને કિસ કરી રહ્યા છે.