Gujarat Titans News: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આ સિઝનમાં જોડાયેલી નવી ટીમ, ગુજરાત ટાઇટન્સ (GT)નું શાનદાર પ્રદર્શન અકબંધ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર યથાવત છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમે પોતાના શાનદાર પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. અત્યાર સુધીમાં ગુજરાતે આ સિઝનમાં કુલ 7 મેચ રમી છે, જેમાં ટીમે 6 મેચ જીતી છે. ગુજરાત ટાઇટન્સ એકમાત્ર એવી ટીમ છે જેણે અત્યાર સુધી માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતે થોડા દિવસ પહેલાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે હારી ગયું હતું.


ગુજરાત લાયન્સનો આવો જ રેકોર્ડઃ
IPLની 2016 અને 2017ની સિઝનમાં ગુજરાત લાયન્સની ટીમનો આઈપીએલમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટીમની કપ્તાની સુરેશ રૈનાને મળી હતી. વર્ષ 2016માં એન્ટ્રી બાદ ગુજરાત લાયન્સે પણ શાનદાર પ્રદર્શન કરીને ખળભળાટ મચાવ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાત ટાઇટન્સની જેમ ગુજરાત લાયન્સે પણ 2016માં તેમની શરૂઆતની 7 મેચમાંથી 6 મેચ જીતી હતી. તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે, તે સમયે ગુજરાત લાયન્સે ચોથી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત લાયન્સની ટીમે 2016માં પ્લેઓફમાં જગ્યા બનાવી હતી, પરંતુ ટીમને ક્વોલિફાયરમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


ગુજરાત ટાઇટન્સે 7માંથી 6 મેચ જીતીઃ
આ માત્ર એક યોગાનુયોગ છે કે ગુજરાત લાયન્સની ટીમે 2016માં જે રીતે પ્રદર્શન કર્યું હતું, તે જ રીતે ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધી પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સે 7માંથી 6 મેચ જીતી છે અને ચોથી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ પ્લેઓફની ઘણી નજીક છે અને આગામી કેટલીક મેચો જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. પંડ્યાની ટીમ આ વખતે આઈપીએલનો ખિતાબ જીતવામાં સફળ રહેશે કે કેમ તે જોવું રહ્યું.