બેટ્સમેન માટે મદદરૂપ પિચ... ટૂંકી બાઉન્ડ્રી... આ કેટલીક બાબતો છે જે આઈપીએલને બેટ્સમેનની રમત બનાવે છે. પરંતુ આ બધું હોવા છતાં અહીં બોલરોનું પલડું અનેક પ્રસંગોએ ભારે રહ્યું છે. તાજેતરમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સની મેચમાં, આપણ જોયું કે કેવી રીતે યુઝવેન્દ્ર ચહલે હેટ્રિક લઈને મેચને પલટાવી હતી. જ્યારે કોલકાતા મેચમાં એકતરફી જીત તરફ આગળ વધી રહી હતી, ત્યારે ચહલની હેટ્રિકે રાજસ્થાનની જીતને નિશ્ચિત બનાવી હતી. IPLની આ 21મી હેટ્રિક હતી. આ પહેલા આઈપીએલની કુલ 14 સીઝનમાં 20 વખત બોલરોએ હેટ્રિક લગાવી છે. કયા વર્ષે અને કયા બોલરે હેટ્રિક લીધી હતી તે અહીં વાંચો..
સિઝન 2008: IPLની પ્રથમ સિઝનમાં ત્રણ બોલરોએ હેટ્રિક વિકેટ લીધી હતી. પ્રથમ હેટ્રિક લક્ષ્મીપતિ બાલાજીના નામે નોંધાયેલી છે. તેણે ચેન્નાઈ તરફથી રમતા પંજાબ કિંગ્સ સામે હેટ્રિક વિકેટ લીધી હતી. તેના પછી દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા અને ચેન્નાઈના મખાયા એનટિનીએ એ જ સિઝનમાં હેટ્રિક વિકેટો ઝડપી હતી.
સિઝન 2009: પંજાબ કિંગ્સ માટે રમતા યુવરાજ સિંહે બે અને ડેક્કન ચાર્જર્સ માટે રમતા રોહિત શર્માએ એક વખત હેટ્રિક લીધી હતી.
સિઝન 2010: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે રાજસ્થાન રોયલ્સ સામે હેટ્રિક લીધી હતી.
સિઝન 2011: ડેક્કન ચાર્જર્સના સ્પિનર અમિત મિશ્રાએ ફરી એકવાર હેટ્રિક લીધી. તેણે પંજાબ કિંગ્સ સામે આ કારનામું કર્યું હતું.
સિઝન 2012: રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા શ્રીલંકાના અજીત ચંડિલાએ સતત ત્રણ બોલમાં એક પછી એક પુણે વોરિયર્સના જેસી રાયડર, સૌરવ ગાંગુલી અને રોબિન ઉથપ્પાને પેવેલિયન મોકલીને હેટ્રિક બનાવી હતી.
સિઝન 2013: સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા અમિત મિશ્રા અને કોલકાતાના વિન્ડીઝ સ્પિનર સુનીલ નારાયણે આ સિઝનમાં હેટ્રિક વિકેટ લીધી હતી. નરેને પંજાબ કિંગ્સ સામે અને અમિત મિશ્રાએ પૂણે વોરિયર્સ સામે આ કારનામું કર્યું હતું.
સિઝન 2014: રાજસ્થાનના બે બોલરો પ્રવીણ તાંબે અને શેન વોટસને હેટ્રિક લીધી હતી. પ્રવીણે કોલકાતા સામે અને વોટસને હૈદરાબાદ સામે હેટ્રિક ફટકારી હતી.
સિઝન 2016: પંજાબ કિંગ્સ માટે બોલિંગ કરતા અક્ષર પટેલે ગુજરાત લાયન્સના દિનેશ કાર્તિક, ડ્વેન બ્રાવો અને રવિન્દ્ર જાડેજાને સતત ત્રણ બોલમાં પેવેલિયનમાં મોકલ્યા હતા.
સિઝન 2017: આ સિઝનમાં ત્રણ બોલરોએ હેટ્રિક વિકેટો લીધી હતી. આરસીબી માટે સેમ્યુઅલ બદ્રી, ગુજરાત લાયન્સ માટે એન્ડ્રુ ટાય અને રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ માટે જયદેવ ઉનડકટે હેટ્રિક પૂરી કરી હતી.
સિઝન 2019: આ સિઝનમાં પંજાબ કિંગ્સના સેમ કરન અને રાજસ્થાન રોયલ્સના શ્રેયસ ગોપાલે હેટ્રિક વિકેટ લીધી હતી.
સિઝન 2021: RCBના ઝડપી બોલર હર્ષલ પટેલે મુંબઈ ઈન્ડિયન્સના હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ અને રાહુલ ચહરને સતત ત્રણ બોલમાં પેવેલિયન ભેગા કર્યા હતા.
સિઝન 2022: રાજસ્થાન રોયલ્સ માટે યુઝવેન્દ્ર ચહલે કોલકાતા સામે સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લીધી. ચહલે શ્રેયસ ઐયર, શિવમ માવી અને પેટ કમિન્સને પેવેલિયનમાં મોકલ્યા હતા.