IPL 2022 News: રાજસ્થાન રોયલ્સ (RR)ના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરે દિલ્હી કેપિટલ્સ (DC) સામે આક્રમક ઈનિંગ રમીને સદી ફટકારી હતી. આ સિઝનમાં બટલરની આ ત્રીજી સદી છે. આઈપીએલના ઈતિહાસમાં આવું કરનાર તે પ્રથમ વિદેશી ખેલાડી બની ગયો છે. આઈપીએલ 2022માં બટલર તોફાની બેટિંગ કરીને ઘણો ખળભળાટ મચાવી રહ્યો છે. આ પહેલા તેણે અગાઉની મેચોમાં બે સદી ફટકારી છે. આ સદી સાથે, બટલરે ડેવિડ વોર્નર અને ક્રિસ ગેઈલને પાછળ છોડી દીધા છે, જેમણે એક સિઝનમાં બે-બે સદી ફટકારી હતી. IPL ઇતિહાસમાં વિરાટ કોહલીએ 2016માં એક સિઝનમાં સૌથી વધુ 4 સદી ફટકારી હતી. બટલરે દિલ્હી સામે 116 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની સદી અને પડીકલની અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે દિલ્હી સામેની મેચમાં મોટો સ્કોર બનાવ્યો હતો. રાજસ્થાનની ટીમે શાનદાર પ્રદર્શન કરતા દિલ્હીને જીતવા માટે 223 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો છે. જોસ બટલરે આ દરમિયાન 116 રનની મોટી ઈનિંગ રમી હતી.



વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાન માટે જોસ બટલર અને દેવદત્ત પડિકલે શાનદાર શરૂઆત કરી હતી અને બંને ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી. દિલ્હીના બોલરો સદંતર નિષ્ફળ જણાતા હતા અને રાજસ્થાનની પ્રથમ વિકેટ 155 રનમાં પડી હતી. પડીકલ 54 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ બીજા છેડે જોસ બટલરે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ ચાલુ રાખ્યો અને સદી પૂરી કરીને ઈતિહાસ રચી દીધો. બટલરે 57 બોલમાં સદી પૂરી કરી હતી. તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. જોસ બટલરે દિલ્હી સામે 65 બોલમાં 116 રન બનાવ્યા જેમાં 9 છગ્ગા અને 9 ચોગ્ગા સામેલ હતા.


રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને પણ આવતાની સાથે જ મોટા શોટ ફટકાર્યા અને ટીમનો સ્કોર 200ની પાર પહોંચાડી દીધો. રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા છે. આઈપીએલની આ સિઝનનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ મેચમાં દિલ્હીની બોલિંગ સંપૂર્ણ ફ્લોપ રહી હતી અને તમામ બોલરો મોંઘા સાબિત થયા હતા. દિલ્હી તરફથી ખલીલ અહેમદ અને મુસ્તાફિઝુર રહેમાનને એક-એક વિકેટ મળી હતી. હવે જોવાનું એ રહે છે કે દિલ્હીની ટીમ 223 રનનો ટાર્ગેટ હાંસલ કરવામાં સફળ રહેશે કે કેમ.