ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઇ સામેની મેચમાં પાંચ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમના ટેસ્ટ કેપ્ટન અને કોલકત્તા નાઇટ રાઇડર્સના બોલર પેટ કમિન્સે આ સિઝનની પ્રથમ મેચ રમી હતી. આવતાની સાથે જ તેણે ધમાલ મચાવી દીધી હતી. કમિન્સે ફક્ત 14 બોલમાં અડધી સદી ફટકારી હતી.  પેટ કમિન્સે 15 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા જ્યારે વેંકટેશ અય્યર 50 રન બનાવીને અણનમ રહ્યો હતો. 






પેટ કમિન્સે આઇપીએલના  ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદીના  રેકોર્ડની બરોબરી કરી હતી. તેણે ભારતીય વિકેટકીપ બેટ્સમેન  કેએલ રાહુલના 14 બોલમાં ફિફ્ટીના રેકોર્ડની બરોબરી કરી હતી.  પેટ કમિન્સે એક જ ઓવરમાં 35 રન ફટકાર્યા હતા. ડેનિયલ સામ્સની એક જ ઓવરમાં પેટ કમિન્સે 4 સિક્સ ફટકારી હતી.


મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 161 રન બનાવ્યા હતા. જેના જવાબમા કોલકત્તાએ 16 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.  મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સની આ જીતનો હીરો પેટ કમિન્સ હતો. જોકે, આ વખતે  કમિન્સે બોલથી નહીં પણ બેટથી પોતાની ટીમને જીત અપાવી હતી. તેણે માત્ર 15 બોલમાં અણનમ 56 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 6 છગ્ગા  ફટકાર્યા હતા.લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તાની શરૂઆત સારી રહી નહોતી. રહાણે સાત, કેપ્ટન શ્રેયસ ઐય્યર 10 રન બનાવી આઉટ થયા હતા. બાદમાં બિલિંગ્સ 17, નીતિશ રાણા 8 રન બનાવી આઉટ થયા હતા. એક સમયે એવું લાગતું હતુ કે મેચ મુંબઇ જીતી જશે પરંતુ બાદમાં આવેલા કમિન્સે મેચનું પાસુ પલટી દીધું હતું. તેણે 15 બોલમાં આક્રમક 56 રન બનાવી ટીમને જીત અપાવી હતી.