IPL 2022: ગઈકાલે ગુરુવારે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયંટ્સ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં ચેન્નાઈની ટીમે પહેલાં બેટિંગ કરતાં કુલ 210નો જંગી સ્કોર કરી લીધો હતો. તેમ છતાં ચેન્નાઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌની ટીમે ફક્ત 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક મેળવી લીધો હતો. ચેન્નાઈના કેપ્ટન રવિંન્દ્ર જાડેજાએ આ વખતે મળેલી હારનું કારણ આપ્યું હતું અને હવે આગળ શું કરવું જોઈએ તે પણ કહ્યું હતું. 


કેપ્ટન જાડેજાએ હારનું કારણ કહ્યુંઃ
જાડેજાએ હારનું કારણ જણાવતાં કહ્યું હતું કે, અમે સારી શરુઆત કરી. રોબિન ઉથપ્પા અને શિવમ દુબેએ શાનદાર મેચ રમી. પરંતુ ફીલ્ડિંગમાં અમારે કેચ પકડવાની જરુર હતી અને અમે તો જ જીતી શકીશું. આ સાથે મેદાન પર ઝાકળ પણ ઘણી હતી. બોલ હાથમાં ટકી નહોતો શકતો. હવે અમારે ભીના બોલ સાથે પ્રેક્ટિસ કરવી પડશે. વધુમાં જાડેજાએ કહ્યું કે, અમે શરુઆતની 6 ઓવરમાં જોરદાર બેટિંગ કરી. બેટિંગ માટે પિચ સારી રહી હતી. બોલિંગમાં અમારે અમારી યોજનાઓનો અમલ કરવાની જરુર હતી. 


લખનૌની દમદાર જીતઃ
આ મેચમાં લખનૌની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈના ખેલાડીઓએ બેટિંગ કરી જેમાં રોબિન ઉથપ્પા (50), મોઈન અલી (35), શિવમ દુબે (49), અંબાતી રાયડૂ (27)ના રનના હિસાબે ટીમનો સ્કોર 20 ઓવરના અંતે 7 વિકેટ પર 210 રન હતો. આના જવાબમાં ઉતરેલી લખનૌની ટીમે મજબુત શરુઆત કરી હતી. ઓપનિંગ માટે ઉતરેલી જોડી કેએલ રાહુલ (40) અને ક્વિંટન ડી કોક (61) પહેલી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી લીધી હતી. પછી આવેલા એવિન લેવિસે 55 રન અને આયુષ બદોનીએ 19 રન તોફાની બેટિંગ કરીને બનાવ્યા અને લખનૌની ટીમ જીતી ગઈ હતી.