LSG vs MI News: IPLની 37મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનઉની ટીમે મુંબઈને 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લખનઉના કેપ્ટન કેએલ રાહુલે આ મેચમાં અણનમ 103 રનની ઇનિંગ રમી હતી. આઈપીએલમાં કેએલ રાહુલની આ ચોથી સદી છે. આવું કરનાર તે બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. 


અત્યાર સુધી વિરાટ કોહલી IPLમાં 5 સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. આઈપીએલમાં સૌથી વધુ સદી ક્રિસ ગેલ (6)ના નામે છે. જો ઓવરઓલ રેકોર્ડ જોવામાં આવે તો તે સદી ફટકારનાર આઈપીએલના ઈતિહાસનો છઠ્ઠો ખેલાડી બની ગયો છે. રાહુલે મુંબઈ સામે 62 બોલમાં 103 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય લખનૌનો કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર બનાવી શક્યો નહોતો. રાહુલે પોતે ઈનિંગ્સને સંભાળી અને મોટા સ્કોર સુધી પહોંચી ગયો. 


મુંબઈ સામે જ બે સદીઃ
કેએલ રાહુલે પોતાની ઇનિંગમાં 62 બોલ રમ્યા હતા, જેમાં તેણે 103 રન બનાવ્યા હતા. આ દરમિયાન રાહુલે 12 ફોર, 4 સિક્સર ફટકારી હતી. ખાસ વાત એ છે કે આ સિઝનમાં કેએલ રાહુલે બે સદી ફટકારી છે અને બંને સદી મુંબઈ ઈન્ડિયન્સ સામે રમતાં ફટકારી છે. બંને વખત કેએલ રાહુલે અણનમ 103 રન બનાવ્યા છે.




રાહુલે મુંબઈ સામે અનોખો રેકોર્ડ બનાવ્યોઃ
રાહુલે મુંબઈ સામે સદી રમીને અનોખો રેકોર્ડ બનાવ્યો છે. કેએલ રાહુલ આઈપીએલના ઈતિહાસમાં મુંબઈ સામે 8 વખત સૌથી વધુ 50 થી વધુ સ્કોર બનાવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે આ મામલે સુરેશ રૈનાને પાછળ છોડી દીધો છે, જેમના નામે 7 વખત મુંબઈ સામે 50થી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો હતો.