IPL 2022: પ્રથમ મેચમાં જોરદાર જીત નોંધાવનાર પંજાબ કિંગ્સે પોતાની બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ તેને 6 વિકેટથી હાર આપી હતી. IPLની પ્રથમ મેચમાં શાનદાર બેટિંગ કરીને પંજાબે 200થી વધુ રનનો પીછો કરીને જીત મેળવી હતી. હવે પોતાની બીજી મેચમાં આ જ પંજાબની ટીમ સદંતર ફ્લોપ રહી હતી. મેચ બાદ કેપ્ટન મયંક અગ્રવાલે પણ ફ્લોપ બેટિંગને હારનું કારણ ગણાવ્યું હતું.


મયંકે કહ્યું, 'અમે સારી બેટિંગ નથી કરી. જોકે અમે બોલિંગમાં શરૂઆતમાં સારી ટક્કર આપી હતી. પછી રસેલ બેટિંગ કરવા આવ્યો અને તેણે અમારી પાસેથી મેચ જીતવાનો મોકો છીનવી લીધી. અમે સારી શરૂઆત કરી પરંતુ તેનો ફાયદો ઉઠાવી શક્યા નહીં. જોકે અત્યારે ટુર્નામેન્ટની શરુઆતનો તબક્કો છે તેથી અત્યારે વધુ ચિંતા કરવાની કોઈ વાત નથી. પોતાના બોલર્સના વખાણ કરતા મયંક કહ્યું હતું કે, '50 રન સુધીમાં 4 વિકેટ ઝડપી લઈને બોલરોએ મેચ જીતાડવા માટે સારો પ્રયત્ન કર્યો હતો. આ મેચમાંથી ઘણી સકારાત્મક બાબતો પણ લેવામાં આવી શકે છે.


આન્દ્રે રસેલે કેકેઆરને જીત અપાવીઃ
આ મેચમાં KKRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરતા પંજાબ કિંગ્સે પહેલી જ ઓવરમાં કેપ્ટન મયંક અગ્રવાલની વિકેટ ગુમાવી દીધી હતી. મયંક ફક્ત એક રન બનાવીને આઉટ થયો હતો. જો કે ભાનુકા રાજપક્ષેની 31 રનની ઝડપી બેટિંગે પંજાબને ફરી સારી ગતિ આપી હતી, પરંતુ તે આઉટ થતાં જ પંજાબની ટીમે એક પછી એક વિકેટ ગુમાવી હતી. પંજાબની ટીમ 18.2 ઓવરમાં 137 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં KKRએ પણ એક સમયે 7 ઓવરમાં 51 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ અહીંથી આન્દ્રે રસેલે 31 બોલમાં 70 રનની શાનદાર ઇનિંગ રમીને KKRને 6 વિકેટે જીત અપાવી હતી. KKRએ 15મી ઓવરમાં જ જીતનો લક્ષ્ય મેળવી લીધો હતો.