IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ના પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટોપ પર પહોંચી ગઈ છે. દિલ્હી સામે 15 રનની જીત બાદ રાજસ્થાનની સ્થિતિમાં આ સુધારો થયો છે. આ ટીમના હવે 7 મેચમાં 5 જીત સાથે 10 પોઈન્ટ છે. રાજસ્થાનની સાથે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પણ 10-10 પોઈન્ટ છે પરંતુ આ બંને ટીમો રન રેટના મામલે રાજસ્થાનથી પાછળ છે.
રાજસ્થાનના ખેલાડીઓએ પણ પર્પલ અને ઓરેન્જ કેપ જાળવી રાખી છે. આરઆરનો યુઝવેન્દ્ર ચહલ આ સિઝનમાં 18 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તે જ સમયે, રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલર આ સિઝનના સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાં ટોચ પર યથાવત છે.
પોઇન્ટ ટેબલની શું છે સ્થિતિ
શુક્રવારે રાત્રે દિલ્હી સામેની મેચ જીતતાં જ રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. રન રેટના આધારે આ ટીમ ટોચ પર છે. રાજસ્થાન 7 મેચમાંથી 5માં જીત્યું છે અને 2માં હાર થઈ છે. 0.432 નેટ રન રેટ અને 10 પોઇન્ટના આધારે પ્રથમ ક્રમે છે. ગુજરાત ટાઈટન્સ 6 મેચમાંથી 5 જીત્યું અને 1 હાર્યું છે. 0.395 નેટ રન રેટ અને 10 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. આરસીબી 7 મેચમાંથી 5 જીત્યું અને બે હાર્યું છે. 0.251ના નેટ રન રેટ અને 10 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. લખનઉ સુપર જાયટન્સ 8 પોઇન્ટ સાથે ચોથા, સનરાઇઝર્સ હૈદરાબાદ પણ 8 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. ચેન્નઈ નવમાં અને મુંબઈ ઈન્ડિન્સ 10માં ક્રમે છે.
ઓરેન્જ કેપ
રાજસ્થાનનો જોસ બટલર 7 મેચમાં 491 રન સાથે ઓરેન્જ કેપમાં ટોચ પર છે. બટલર ચાલુ સીઝનમાં શાનદાર ફોર્મમાં છે અને ત્રણ સદી ફટકારી છે. લખનઉનો કેપ્ટન કેએલ રાહુલ 7 મેચમાં 265 રન સાથે બીજા અને દિલ્હીનો પૃથ્વી શો 7 મેચમાં 254 રન સાથે ત્રીજા ક્રમે છે.
પર્પલ કેપ
રાજસ્થાનનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલ 7 મેચમાં 18 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે. કુલદીપ યાદવ 7 મેચમાં 13 વિકેટ સાથે બીજા અને ડ્વેન બ્રાવો 7 મેચમાં 12 વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.