IPL 2022: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2022ની ફાઈનલ મેચમાં ગુજરાતના ટાઈટન્ટના કેપ્ટન હાર્દિક પંડના ઓલરાઉન્ડ દેખાવ અને શુબમન ગિલની વિજય સિક્સર સહિત 45 રનની ઈનિંગથી રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હાર આપી હતી. જીતવા માટેના 131ના ટાર્ગેટને ગુજરાતે 18.1 ઓવરમાં  ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ફાઈનલ મેચ દરમિયાન એક ઈતિહાસ પણ રચાયો હતો. ઓરેન્જ કેપ અને પર્પલ કેપ હોલ્ડર એક જ ટીમના હોય તેવું માત્ર ત્રીજી વખત બન્યું હતું.



  • આ વખતે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ હોલ્ડર રનર્સ અપ ટીમ રાજસ્થાન રોયલ્સના હતા. ઓરેન્જ કેપ જોસ બટલર અને પર્પલ કેપ યુઝવેન્દ્ર ચહલને મળી હતી. બટલરે ચાલુ સિઝનમાં 17 મેચમાં 863 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 149.05 હતો અને એવરેજ 57.53 હતી. બીજા ક્રમે રહેલા લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે 616 રન બનાવ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે 17 મેચમાં 7.75ની ઈકોનોમીથી 27 વિકેટ ઝડપીને પર્પલ કેપ જીતી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના હસરંગાએ 26 વિકેટ ઝડપી હતી.

  • આ પહેલા 2013માં ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સેમન માઇક હસીએ 733 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. જ્યારે તેની ટીમના સાથી બોલર ડ્વેન બ્રાવોએ 32 વિકેટ ઝડપીને પર્પલ કેપ જીતી હતી.

  • જ બાદ 2017માં સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરે 641 રન બનાવીને ઓરેન્જ કેપ હોલ્ડર બન્યો હતો. તે વર્ષે સનરાઇઝર્સના બોલર ભુવનેશ્વર કુમારે 26 વિકેટ સાથે પર્પલ કેપ મેળવી હતી.


ફાઈનલમાં 13 વર્ષ બાદ બન્યો આ રેકોર્ડ


ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસમનની વિકેટ લીધી હતી. આઈપીએલ ફાઈનલમાં કેપ્ટને કેપ્ટનની વિકેટ લીધી હોય તેવું 13 વર્ષ બાદ બન્યું હતું. 2009માં જોહાનિસબર્ગમાં રમાયેલી આઈપીએલ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન અનિલ કુંબલેએ ડેક્કર ચાર્જર્સના એડમ ગિલક્રિસ્ટને આઉટ કર્યો હતો. હાર્દિકે ફાઇનલ મેચમાં 17 રનમાં 3 વિકેટ લીધી હતી. જે આઈપીએલ ફાઇનલમાં અત્યાર સુધીનું પાંચમું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે.