મુંબઇઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) મેચમાં લખનઉનો વિજય થયો હતો. આ મેચમાં ધોની અને ગંભીરને એકસાથે જોઇને ચાહકો ખુશ થઇ ગયા હતા. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ધોની અને ગંભીર અલગ-અલગ ભૂમિકામાં હતા. સીએસકેની કેપ્ટનશીપ છોડ્યા બાદ એમએસ ધોની ટીમમાં વિકેટ કીપર બેટ્સમેનની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે ભૂતપૂર્વ ઓપનર ગંભીર લખનઉ ફ્રેન્ચાઇઝીનો મેન્ટર છે. જ્યારે આ ટીમનો કેપ્ટન કેએલ રાહુલ છે.






રાહુલની કપ્તાની હેઠળ લખનઉની ટીમે ચેન્નઈને 6 વિકેટથી હરાવ્યું અને IPL 2022માં પોતાની પ્રથમ જીત હાંસલ કરી હતી. બાદમાં લખનઉની ટીમના ચાહકોની ખુશીનો પાર રહ્યો નહોતો પરંતુ ભારતીય ક્રિકેટ ચાહકોને વધુ ખુશી ત્યારે મળી જ્યારે ધોની અને ગંભીર મેચ પૂરી થયા બાદ એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા.


પૂર્વ ક્રિકેટર ગંભીરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ધોની સાથેની પોતાની બે તસવીરો પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું, "કપ્તાનને મળીને આનંદ થયો!.


નોંધનીય છે કે આ બંને દિગ્ગજ ખેલાડીઓ ભારતની 2011 ODI વર્લ્ડ કપ જીતની 11મી એનિવર્સરીના બે દિવસ પહેલા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 2 એપ્રિલ 2011ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવીને બીજો વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો.


ગંભીરે શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા માટે 97 રન બનાવ્યા હતા અને ધોનીએ 91 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેના કારણે ભારત 28 વર્ષ બાદ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું.