MI vs CSK: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગઇ કાલની અલ ક્લાસિકો મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી. રવિન્દ્ર જાડેજાએ બૂલેટની ઝડપે આવતા બૉલને કેચમાં બદલીને સૌને ચોંકાવી દીધા હતા. વળી, બાઉન્ડ્રી લાઇન પર ડ્વેન પ્રિટૉરિયસ અને ઋતુરાજ ગાયકવાડની જુગલબંધીએ અત્યંત મુશ્કેલ કેચને આસાન બનાવી દીધો હતો.


પ્રિટૉરિયસ-ઋતુરાજની જુગલબંધી 
ખરેખરમાં, મેચમાં 16મી ઓવરનો છેલ્લો બૉલ ટિસ્ટ્રાન સ્ટબ્સે ફ્રન્ટ સાઇડમાં અને હવામાં ફટકાર્યો હતો. બૉલ સીધો બાઉન્ડ્રી લાઈન ક્રોસ કરીને જઇ રહ્યો હતો, ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા ડ્વેન પ્રિટૉરિયસે તે કેચ બાઉન્ડ્રી લાઇનની ખૂબ નજીક પકડ્યો હતો, પરંતુ તે પોતાનું સંતુલન જાળવી શક્યો નહોતો અને તેને બૉલને હવામાં ઉછાળી દીધો હતો. બાદમાં બાઉન્ડ્રી લાઇન પાસે ઉભેલા ઋતુરાજ ગાયકવાડે આસાનીથી કેચ પકડી લીધો હતો. આ પછી સ્ટબ્સની ઇનિંગ્સનો પણ અંત આવી ગયો હતો. પ્રિટૉરિયસ અને ઋતુરાજની શાનદાર જુગલબંધીની સોશ્યલ મીડિયા પર ખુબ પ્રસંશા થઇ રહી છે. 


મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સની જીત



IPL 2023ની 12મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે સાત વિકેટે જીત મેળવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈએ ચેન્નઈને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે તેણે સરળતાથી હાંસલ કરી લીધો હતો. ચેન્નઈની જીતનો હીરો અજિંક્ય રહાણે રહ્યો હતો. રહાણેએ 27 બોલમાં 61 રનની તોફાની ઈનિંગ રમી હતી. ચેન્નઈ સુપર કિંગ્સની ત્રણ મેચમાં આ બીજી જીત છે, જ્યારે મુંબઈ સતત બીજી મેચ હારી ગયું છે.